ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મોદી સરકાર દ્વારા તબીબી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે આજેએક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે મેડિકલ અન્ડર ગ્રૅજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઑલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને 27 ટકા અને ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS) કૅટૅગરીને 10 ટકા આરક્ષણનો લાભ મળશે. આ નિર્ણય શૈક્ષણિક વર્ષ 2021-22માં પણ લાગુ પડશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી OBC અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મેડિકલ તેમ જ ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે લાભ થશે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ મીડિયાને કહ્યું કે આ નિર્ણયથી 5,550 વિદ્યાર્થીઓને લાભ થશે. તબીબી અભ્યાસક્રમોમાં કેટલીક બેઠકો દરેક રાજ્યમાં ઑલ ઇન્ડિયા ક્વોટા માટે અનામત છે.
મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત્ રહેશે; સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો એ જિલ્લાઓનાં નામ
ઉલ્લેખનીય છે કે અન્ડર ગ્રૅજ્યુએટ અભ્યાસક્રમ માટે 15 ટકા અને અનુસ્નાતક અભ્યાસક્રમ માટે 50 ટકા બેઠકો દરેક રાજ્યમાં ઑલ ઇન્ડિયા ક્વોટા માટે અનામત છે. વર્ષ 2006થી શેડ્યુલ્ડ કાસ્ટ (SC) અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (ST)ને આ ઑલ ઇન્ડિયા ક્વોટામાં આરક્ષણ મળતું હતું, પરંતુ OBC પાસે આજદિન સુધી આ અનામત નહોતું, હવે આ નિર્ણય દ્વારા તેમને પણ આરક્ષણ અપાયું છે.