Site icon

BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

BSNLની સિલ્વર જુબિલી અને ગુજરાતના ૪ હજાર સહિત દેશભરમાં ૯૨ હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોનું ઉદઘાટન એ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત ની ક્ષમતા નું આગવું ઉદાહરણ છે

BSNL 4G launch વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત

BSNL 4G launch વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાનશ્રી દિશા દર્શન માં ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીથી ઇ ગવર્નન્સ સુલભ થયું છે.

વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ સ્વદેશીનો વિચાર તેમજ રાષ્ટ્રીય ગૌરવનો વિષય સાબિત થશે -કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું આજે ઝારસુગાડા, ઓડિશા ખાતેથી લોન્ચિંગ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાની મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે BSNL ની સિલ્વર જુબિલી અને ગુજરાતના ૪ હજાર સહિત દેશભરમાં ૯૨ હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની મોટી ભેટ આપી છે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું આજે ઝારસુગાડા, ઓડિશા ખાતેથી દેશ વ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જોડાયા હતા.

સિલ્વર જ્યુબિલી વર્ષમાં ભારત સંચાર નિગમ લિમિટેડ-BSNL દ્વારા વડાપ્રધાનશ્રીના આત્મ નિર્ભર ભારત વિઝનને પુષ્ટિ આપતાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ૧૪ હજાર કરતા વધુ સાઇટ્સ સહિત ૯૭,૫૦૦ નવી 4G સાઇટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
ગુજરાતમાં કાર્યરત થયેલા 4 હજાર 4G ટાવર માંથી 600 થી વધુ ટાવર અતિ દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત થવાના છે.
આના પરિણામે રાજ્યના છેવાડા ના વિસ્તારોને પણ સ્વદેશી 4G કનેક્ટિવિટી મળશે.

આ સમાચાર પણ વાંચો : Saturn Transit 2025: કેન્‍દ્ર ત્રિકોણ રાજયોગ ૩૦ વર્ષ બાદ શનિ એ બનાવ્યો શક્તિશાળી યોગ, ‘આ’ રાશિઓને મળશે અપાર ધન

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું કે,વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિથી વડાપ્રધાન શ્રી વાજપેયીની જન્મજયંતી તા. ૨૫ ડિસેમ્બર સુધી ‘આત્મનિર્ભર ભારત અભિયાન અને હર ઘર સ્વદેશી’નું જન આંદોલન દેશમાં શરૂ થયું છે.
સ્વદેશી 4G નેટવર્ક ના ઉદઘાટન થી આ અભિયાનને વધુ વેગ મળ્યો છે.

તેમણે કહ્યું હતું કે,BSNLની ટેગ લાઇન છે “કનેક્ટિંગ ભારત” આ ટેગ લાઈન વડાપ્રધાનશ્રી ના વિઝનને એકદમ સુસંગત છે. દેશમાં પાછલા ૧૧ વર્ષમાં રોડ, રેલ, મેટ્રો ટ્રેન નેટવર્ક, એર નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સંચાર વગેરે નેટવર્કમાં ક્રાંતિકારી કદમ લ‌ઈને કનેક્ટિંગ ભારતને મૂર્તિમંત કર્યું છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વમાં ગૌરવ મેળવ્યું છે.દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં ભારત ‘આયાતકારમાં થી નિકાસકાર’ બન્યું છે.ડિફેન્સ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા જ ૩૬૦ ડિગ્રી બદલાવનું સાક્ષી બન્યું છે. એક સમય હતો કે વિશ્વના દેશો ભારતને ટેલિકોમ માર્કેટ સમજતા હતા.હવે ભારતે વિશ્વ સ્તરે ટેલીકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઇડર અને પાર્ટનરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

મેઈડ ફોર ઈન્ડિયાને બદલે હવે ‘મેઈડ ઈન ઈન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડ’ની ચર્ચા થઈ રહી છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે,વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ, અંતરીયાળ, છેવાડાના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટીવિટી પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં એક સીમાચિહન સાબિત થશે.ગુજરાતમાં જે ચાર હજારથી વધુ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આનાથી ૧૧,૦૦૦થી વધુ ગામડાઓને 4G મોબાઈલ સેવાનો લાભ મળશે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ડિજિટાઇઝેશનથી જીવન વધુ સરળ બન્યું છે.દેશમાં ઇન્ટરનેટ કનેક્ટીવિટી વધતા ડિજિટાઇઝેશનને વેગ મળ્યો છે અને તેનાથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રનું જન જીવન સરળ બન્યું છે.

તેમણે કહ્યું કે, અગાઉ મોબાઈલ માત્ર વાતચીત નું સાધન હતું હવે મોદીજીના નેતૃત્વમાં વધેલી ડિજિટલ કનેક્ટીવિટીના પરિણામે મોબાઇલ ફોન એ વિકાસ અને પ્રગતિનું મહત્વનું સાધન બન્યું છે.
દેશના ગામે ગામ કનેક્ટિવિટી મળતાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમ થી સરકારી સેવાઓ સાથે ઈ-ગવર્નન્સને નવી દિશા મળી છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ મોબાઈલથી ઘરે બેઠા અભ્યાસ, ખેડૂતોના પાકનો ડિજિટલ સરવે, ઇ-બજારથી માલનું ખરીદ-વેચાણ અને આરોગ્ય માટે આભા કાર્ડ શક્ય બન્યું છે.
જનધન-આધાર- મોબાઈલ દ્વારા આજે ગરીબને સીધો તેમનો હક તેમના હાથમાં મળી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી જણાવ્યું કે ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અઢી દાયકાથી લાભ મળી રહ્યો છે.૧૪ હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર ૩૨૦થી વધુ સેવાઓ બ્રોડબેન્ડ કનેક્ટીવીટીના લીધે ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે,વડાપ્રધાનશ્રી નેતૃત્વમાં આ આખો દશક ‘ડેકેડ એ ટેકેડ’ છે.વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમાં ટેકનોલોજીનું મોટું યોગદાન છે.

મુખ્યમંત્રીશ્રીએ દેશમાં જ બનેલી અને વિકસેલી ટેક્નોલોજીનો, ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને આત્મનિર્ભર- સ્વદેશી જન આંદોલનને વધુ વેગવંતુ બનાવવા સૌ અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્વદેશી 4G નેટવર્કનો લોન્ચિંગ કાર્યક્રમ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે. વધુમાં, આજે BSNLની ૨૫મી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ સ્વદેશીનો વિચાર તેમજ રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, સતત આગળ વધી રહ્યો છે અને નયા ભારતનું નિર્માણ થ‌ઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે વિકસિત ભારતના માર્ગ પર આગળ વધીએ છીએ, ત્યારે આપણે ફક્ત એક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ઘણા ક્ષેત્રોમાં આપણી આત્મનિર્ભરતાના સહભાગી બનીએ છીએ. એક સમય એવો હતો, કે ભારત સંરક્ષણ માટે દુનિયામાંથી બંદૂકની ગોળીઓ પણ આયાત કરતો હતો. જ્યારે આજે દેશના સંરક્ષણ સાધનો વિશ્વને નિકાસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત જ્યારે દેશમાં રસીની જરૂર હતી અને રસી સંશોધન વૈશ્વિક સ્તરે કરવામાં આવતું હતું. તેમજ સંશોધન પછી, રસીઓ ઓછામાં ઓછા પાંચ કે દસ વર્ષ પછી દેશમાં આવતી હતી. પરંતુ કોવિડ સમયગાળા દરમિયાન તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ વિશ્વમાં પ્રથમ ડોઝ આપ્યાના એક મહિનાની અંદર ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત એક નહીં પરંતુ બે રસીઓ દેશમાં આપવામાં આવી હતી, જે વિશ્વને ખૂબ મોટો સંદેશ આપ્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાએ ટેકનોલોજી વિશે કહ્યું હતું કે, દેશને આગળ વધારવામાં ડિજિટલ ટેકનોલોજીનો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. વડા પ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાનું વિઝન અંતર્ગત સમગ્ર દેશમાં અનેક 4G ટાવર લગાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ વિશે કહ્યું કે, દેશમાં ત્રણ હજાર કિલોમીટર લાંબી હિમાલયની પર્વતમાળા છે, ૭ હજાર કિલોમીટરથી વધુ દરિયાકિનારો તેમજ કચ્છ અને રાજસ્થાનમાં વિશાળ રણ પણ છે. દેશમાં એક જ સમયે એક જગ્યાએ બરફ પડે છે, તો તે જ સમયે બીજી જગ્યાએ તાપમાન ૫૦ ડિગ્રી હોય છે તેમજ અન્ય સ્થળે વરસાદ પણ પડે છે. આમ, દેશમાં આવા વિવિધતા ભરેલા વાતાવરણમાં પણ આપણી સ્વદેશી ટેકનોલોજી ખૂબ ઉપયોગી થઈ શકે છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયાનો અર્થ એ છે કે દેશના ખેડૂતો તેમના ખેતરમાં ઉભા રહીને તેમના મોબાઇલ ફોન પર હવામાનનો નકશો જોઈ શકે અને દેશના કયા બજારમાં પાકનો વર્તમાન ભાવ શું છે તે જાણી શકે છે.આ ઉપરાંત આપણા લાખો માછીમારો સમુદ્રમાં જાય છે, ત્યારે હવામાન ખૂબ મહત્વનું હોય છે. ડિજિટલ ટેકનોલોજીની મદદથી સમુદ્રમાં હવામાનની માહિતી તેમજ માછલી પકડવાની ક્ષમતા જેવા વિષયો પર માર્ગદર્શન મળી શકે.

આ ઉપરાંત દેશમાં ઘણા જંગલ વિસ્તારો અને આદિવાસી વિસ્તારો છે. ગુજરાતના ડાંગ જેવા દૂરના જિલ્લાઓમાં પણ બાળકો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી શકશે. આમ, ડિજિટલ ટેકનોલોજી જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે, તેમણે ઉમેર્યું હતું.

BSNL ગુજરાતના ચીફ જનરલ મેનેજર શ્રી ગોવિંદ કેવલાણીએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં શરૂ કરવામાં આવેલ BSNL, તેના ૨૫ વર્ષ પૂર્ણ કરીને સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે. વડા પ્રધાનશ્રીના સ્વદેશી 4G નેટવર્કના વિઝનના પરિણામે આજનો આ લોન્ચિંગ કાર્યક્રમ ભારતના દૂરસંચાર ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. લેન્ડલાઇન અને બ્રોડબેન્ડથી લઈને મોબાઇલ સેવા સુધી BSNLએ દેશના દરેક નાગરિકને શહેરથી ગામડા સુધી જોડ્યો છે. આ 4G નેટવર્ક માત્ર આત્મનિર્ભરતાનું પ્રતીક નથી, પરંતુ ભારતને તે પાંચ દેશોની શ્રેણીમાં સ્થાપિત કરે છે જેમની પાસે પોતાનું ઘરેલું 4G દૂરસંચાર નેટવર્ક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. BSNL ગુજરાતના ADG શ્રી સંદિપ સાવરકરે આભાર વ્યક્ત કર્યો હતો.

‘ગર્વ સે કહો યે સ્વદેશી હૈ’ થીમ‌ સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ITI લિમિટેડના CMD શ્રી રાજેશ રાય, રિલાયન્સ જીયોના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, DST સચિવ શ્રી પી. ભારતી, BSNLના અધિકારીશ્રી ઓ – કર્મચારીશ્રીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત સહિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.
ભારત સંચાર નિગમ લિમિટેડ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ૯ જિલ્લાના ગામોમાંથી પદાધિકારીઓ- હોદેદારો તેમજ BSNLના ઉચ્ચ અધિકારીઓ -કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
RBI Digital Payments: ઓનલાઈન ફ્રોડ પર હવે કડક કાર્યવાહી, આરબીઆઈ એ ડિજિટલ પેમેન્ટ્સ ને લઈને લીધો આ નિર્ણય
Exit mobile version