News Continuous Bureau | Mumbai
CBI Court Action :
અમદાવાદના નવરંગપુરા સ્થિત સીજેએમ, સીબીઆઈ કોર્ટે આરોપી મહાદેવ ડી પટેલને દોષિત ઠેરવીને ૩ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. 30000/- નો દંડ ફટકાર્યો હતો. અને આરોપી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પણ રૂ. 30000/- દંડ ફટકાર્યો હતો.
મુંબઈની દેના બેંક દ્વારા ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મહાદેવ ડી પટેલ અને અન્ય બે ખાનગી વ્યક્તિઓ સામે દાખલ કરાયેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાન્યુઆરી 1983થી અમદાવાદની એલિસ બ્રિજ શાખામાં દેના બેંક સાથે વિવિધ ક્રેડિટ સુવિધાઓનો લાભ લઈ રહી હતી. કંપની અને તેના ડિરેક્ટરોએ દેના બેંકની લેટર ઓફ ક્રેડિટ સુવિધાનો ખોટો ઉપયોગ કરી અને ફોર્જરી કરીને દેના બેંક સાથે રૂ. 27.19 કરોડની છેતરપિંડી કરી હતી.
તપાસ બાદ, 22/10/2001ના રોજ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં બે દોષિત આરોપીઓ પણ સામેલ હતા.
ટ્રાયલ પછી, કોર્ટે આરોપી મહાદેવ ડી પટેલ અને ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી હતી.