ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
વિઝા મામલે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ ટુરિસ્ટ વિઝા સિવાયના તમામ વિઝા ઉપરનો પ્રતિબંધ હટાવી દીધો છે. તથા તમામ વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(OCI)અને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન(PIO) કાર્ડધારકોને વિઝા આપવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થી અને વેપારીઓને પણ ભારત આવવા માટે વિઝા આપવામાં આવશે. જોકે સારવાર માટે ભારત આવતા વિદેશી નાગરિકોએ મેડિકલ વિઝા માટે અરજી કરવાની રહેશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કેઈલેક્ટ્રોનિક વિઝા, ટૂરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા ઉપરાંત તમામ પ્રકારના હાલના વિઝાને તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવ્યા છે. જે કેટેગરીને વિઝાના પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે એના હેઠળ લોકો એર વે અને સમુદ્રના માર્ગે ભારતમાં આવી શકશે. સરકારે વિદેશીઓને દેશમાં પ્રવેશ આપવા માટે અમુક જ એરપોર્ટ અને ઈમિગ્રેશન ચેક પોસ્ટને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયમાં વંદે ભારત મિશન, એર ટ્રાન્સપોર્ટ બબલ અરેન્જમેન્ટ અથવા સરકાર પાસેથી મંજૂરી મળેલી હોય એવી નોન-શિડ્યૂલ કોમર્શિયલ ફ્લાઈટને પણ સામેલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીને કારણે ભારત સરકારે 23 માર્ચે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે એક તરફ કોરોનાના સમયમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે નૌકાદળનાં જહાજ પણ તહેનાત કરવામાં આવ્યાં હતાં. સરકાર વંદે ભારત મિશન હેઠળ સાત તબક્કામાં 50થી વધુ દેશોમાંથી લાખો ભારતીય નાગરિકોને પરત લાવી ચૂકી છે.