ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓના સ્તરને આધારે માપદંડ બનાવીને સરકારે કેન્દ્રીય સચિવાલય સેવાઓથી સંબંધિત અને ૫૦ વર્ષથી ઉપરના તેના અન્ડર-સેક્રેટરી સ્તરના અધિકારીઓની કામગીરીની સમીક્ષા શરૂ કરી છે. આ કવાયતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે, કારણ કે અગાઉ સમાન સમીક્ષા બાદ, ઘણા ‘અન્ડર પર્ફોર્મન્સ’ અધિકારીઓને અકાળે નિવૃત્તિ આપવામાં આવી હતી.
આ કવાયતમાં નિર્ધારિત માપદંડ મુજબ વધુ રજા, અખંડિતતા શંકા / શંકાસ્પદ સંપત્તિ વ્યવહાર / ભ્રષ્ટાચાર અથવા નબળા તબીબી સ્વાસ્થ્યના રેકૉર્ડ્સ પર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ માપદંડમાં જો કોઈ ૫૦ વર્ષથી વધુ વયનો કર્મચારી ‘અન્ડર પર્ફોર્મન્સ’ જણાશે તો તેને જનહિતમાં સેવાનિવૃત્ત કરાશે. જોકેજે કર્મચારીઓ એક વર્ષની અવધિમાં નિવૃત્ત થવાના છે તેમને આ સમીક્ષામાંથી બહાર રખાશે.
વિભાગો અને મંત્રાલયોએ હાર્ડ કૉપીમાં અથવા ચોક્કસ ઈ-મેઇલ આઇડી દ્વારા સૂચવેલ 15 કૉલમ્સમાં ડેટા / ઇનપુટ્સ પ્રદાન કરવાના રહેશે. મંત્રાલયો અને વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે કે સમીક્ષા ફૉર્મમાં કોઈ પણ કૉલમ ખાલી છોડી શકાશે નહિ. અધિકારીનું નામ, હોદ્દો, ઈ-મેઇલઆઇડી અને ટેલિફોન નંબર સચોટ રીતે આપવા જણાવવામાં આવ્યું છે કે જેથી આગળની સ્પષ્ટતાના કિસ્સામાં ડિપાર્ટમેન્ટ સમક્ષ ફોલોઅપ કરવું સરળ બને.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરકારે કહ્યું હતું કે “આ નિયમો હેઠળ સરકારી કર્મચારીઓની અકાળ નિવૃત્તિ કોઈ દંડ નથી. તે 'ફરજિયાત નિવૃત્તિ’ જે સેન્ટ્રલ સિવિલ સર્વિસ (CCS) નિયમો હેઠળ સૂચવેલ દંડમાંથી એક છે, એનાથી અલગ છે.” સમીક્ષાની કવાયત શરૂ કરતાં પહેલાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે “જાહેર હિતમાં આવું કરવું જરૂરી હોય તો નિયમો હેઠળ સરકારી કર્મચારીને નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકાર સરકારને છે."