ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
ભારત-ચીનના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સુરક્ષા દળોએ લદ્દાખના ચૂમર ડેમચોક વિસ્તારમાંથી એક ચીની સૈનિકને પકડ્યો છે. નોંધપાત્ર છે કે તેની પાસેથી સિવિલ અને સૈન્યના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સુરક્ષા દળ સાથે જોડાયેલા સૂત્રએ આ જાણકારી આપતા જણાવ્યુ છે કે ભૂલથી તે ભારતીય સીમામાં ઘુસી આવ્યો છે, તેને પ્રોટોકોલ હેઠળ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચીની સેનાને પરત સોપી દેવામાં આવશે.
ભારતીય સૈન્ય તરફથી એવું જાણવા મળ્યું છે કે આ સૈનિક પૂર્વ લદ્દાખના ડેમચોક સેક્ટરમાં એલએસી પાર કર્યા બાદ પકડાયો હતો. હવે સેના પ્રોટોકોલને ફોલો કરી રહી છે અને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને તેને ચીન પરત મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ તેની પુછપરછ ચાલી રહી છે, જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે જાસૂસી મિશન પર હતો કે કેમ. સૂત્રોએ દાવો કર્યો છે કે ચીની સૈનિક તેના યાકને શોધવા નીકળ્યો હતો અને ભુલથી ભારતમાં આવી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે એકલો હતો અને તેની પાસે કોઈ શસ્ત્ર નથી. જો તે અજાણતાં ભારતમાં આવ્યો હશે તેને પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરી ચીની આર્મીને પરત સોંપવામાં આવશે.