Site icon

Kutch green fodder initiative: રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કચ્છમાં સામુદાયિક-ધોરણે લીલો ઘાસચારો ઉગાડવાની પહેલનો પ્રારંભ

કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે.

Kutch green fodder initiative રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કચ્છમાં

Kutch green fodder initiative રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કચ્છમાં

News Continuous Bureau | Mumbai

Kutch green fodder initiative કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો ઉગાડવા માટેની એક નવી પહેલનું આ સપ્તાહે અબડાસા તાલુકાના આરીખણા ગામમાં ઉદ્દઘાટન કરાયું છે. આશરે 4.5 હેક્ટર જેટલી સામાન્ય જમીન પર શરૂ કરાયેલી આ પહેલ થકી આશરે 1100 પશુઓને ફાયદો થવાની અપેક્ષા છે. જેના પગલે આ વિસ્તારના ખેડૂતોને ઉનાળા દરમિયાન ઘાસચારાની તીવ્ર અછતનો પડકાર દૂર કરવામાં મદદ મળશે.

Join Our WhatsApp Community

કચ્છમાં નાના ખેડૂતો માટે ઘાસચારો મળવો એ હંમેશાથી ચિંતાનો વિષય રહ્યો છે કારણ કે તેમણે ક્યાં તો દૂરના બજારો પર નિર્ભર રહેવું પડે છે અથવા તો મોંઘોદાટ ચારો ખરીદવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ફાઉન્ડેશને આઇસીએઆર-સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) સાથે મળીને લાંબાગાળાનો ઉકેલ લાવવા વિવિધ સમુદાયો સાથે ભાગીદારી સાધી છે. રિલાયન્સ ફાઉન્ડેશને નજીકના ગામોમાં સ્થાપેલા નેપિયર ઘાસના પ્રદર્શન પ્લોટની સફળતા આરીખણાના ખેડૂતોએ જોઈ ત્યારે આ પહેલનું મૂળ રોપાયું હતું.

આ પહેલના કેન્દ્રમાં નેપિયર ઘાસની સામુદાયિક-ધોરણે કરાયેલી ખેતી છે. નેપિયર ઘાસ એ બારમાસી ઘાસની એક જાત છે જે તેની પ્રતિરોધક ક્ષમતા અને ઓછા પાણીની જરૂરિયાત માટે જાણીતી છે. નક્કી કરાયેલી સામાન્ય જમીનમાં ઉગનારો આ ઘાસચારો ગામના પશુધન માટે વિના મૂલ્યે પૂરો પડાશે, જેથી પાણીની અછતના મહિનાઓમાં પણ ઘાસની નિયમિત ઉપલબ્ધતા જળવાઈ રહે. આ પહેલની શરૂઆત નિમિત્તે 25મી નવેમ્બરના રોજ નેપિયર ઘાસના 20,000 રોપાનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે તાલુકા મામલતદાર શ્રી સી જી પારખિયા, કોઠારા કૃષિ પ્રાદેશિક સંશોધન કેન્દ્રના પ્રાદેશિક વડા શ્રી મુકેશભાઈ પટેલ, KVK મુંદ્રાના વરિષ્ઠ વિજ્ઞાની શ્રી જયદીપ ગોસ્વામી, અને નરેગાના જિલ્લા કાર્યક્રમ અધિકારી શ્રી જયરાજસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ઘાસચારા સમિતિના સભ્યો પણ ઉદ્દઘાટન કાર્યક્રમમાં અધિકારીઓ સાથે જોડાયા હતા.

આ ઘાસચારાની પહેલના અમલ માટે ગ્રામજનોએ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ એક ‘ઘાસચારા સમિતિ’ની રચના કરી છે. તેમણે સાથે મળીને વાડ બાંધવા અને ટપક સિંચાઈ માળખાને ગોઠવવાથી માંડીને જમીન તૈયાર કરવા અને શ્રમિકોને એકત્ર કરવા સુધીની પૂર્વજરૂરિયાતો નિર્ધારિત કરી હતી. આ પહેલને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગ અને ગ્રામજનોના પોતાના યોગદાન ઉપરાંત ગૌચર સુધારણા માટે 15મા નાણાપંચ, મનરેગા સહિતના બહુવિધ સ્ત્રોતોમાંથી નાણાકીય અને સામગ્રીની સહાયતા મળી છે. તેના કારણે આ એક સાચી સહભાગી અને ટકાઉ પહેલની રચના થઈ છે.

અગાઉના પડકારોને યાદ કરતાં, આરીખણા ગામના રહેવાસી શ્રી જાડેજા નારૂભા હરિસંગે જણાવ્યું હતું કે, “અમે સામાન્ય રીતે અમારા પશુધનને પાક વઢાયા પછીનો ચારો અથવા ખેતરની શેઢે ઉગાડેલો લીલો ઘાસચારો ખવડાવતા હતા. પરંતુ ઓછા વરસાદના વર્ષોમાં બધું સુકાઈ જાય છે. આવા સમયે પશુઓને શું ખવડાવવું એ અમારી સૌથી મોટી ચિંતા હતી.”

આ સમાચાર પણ વાંચો : Kanpur bus fire: કાનપુર નેશનલ હાઈવે પર સ્લીપર બસ ભડકે બળી, સમયસર બહાર નીકળતા મુસાફરોના જીવ બચ્યા.

આરીખણા ગામના રહેવાસીઓના આ પ્રયાસો એ વાતનો પુરાવો છે કે સમુદાયો એકસાથે કોઈ કામ હાથમાં લે, ત્યારે તેઓ શું હાંસલ કરી શકે છે. આ પહેલે ઘાસચારો ઉગાડવાથી પણ બે ડગલાં આગળ વધીને, જલવાયુ સંબંધિત જોખમોને ખાળવા અન્ય દુર્ગમ પ્રદેશોને માર્ગદર્શન આપતા સામુદાયિક ધોરણ આધારિત મોડેલના બીજ પણ રોપ્યા છે.

 

77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
Exit mobile version