ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
આગામી વર્ષે થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી કૉન્ગ્રેસે સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી છે. મુંબઈ કૉન્ગ્રેસના નેતાઓ ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના સેક્રેટરી અને મહારાષ્ટ્રના ઇન્ચાર્જ એચ. કે. પાટીલ સાથે આ મુદ્દે ચર્ચા કરીને ચૂંટણીને લગતી વ્યૂહરચના ઘડી રહ્યા છે. હાલ તેઓ મહારાષ્ટ્રની ચાર દિવસની મુલાકાતે છે.
મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ તથા કૉન્ગ્રેસના અન્ય નેતાઓ સાથે એચ. કે. પાટીલે બેઠક પણ કરી હતી. જેમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન દર ત્રણ મહિનામાં મુંબઈ કૉન્ગ્રેસે કરેલી કામગીરીનો અહેવાલ હવેથી લેવાશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે NCP-શિવસેના સાથે મળીને પાલિકાની ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે, ત્યારે મુંબઈના કૉન્ગ્રેસના અગ્રણી નેતાઓના કહેવા મુજબ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા લડવું જ યોગ્ય રહેશે. હાઈ કમાન્ડ પાસેથી મંજૂરી મળે એની રાહ જોવામાં આવી રહી છે. જોકે એકલા લડવા માટેની તૈયારીઓ મુંબઈમાં ચાલુ કરી દેવામાં આવી છે. મુંબઈમાં કૉન્ગ્રેસને મજબૂત બનાવવાની સાથે જ મતદાતાઓ પાસે સીધા પહોંચવા માટે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનું ટોચના નેતાએ કહ્યું હતું.