ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણે શુક્રવારે નેપાળમાં આસ્થા નેપાળ અને પતંજલિ નેપાળ નામની બે ટીવી ચેનલો શરૂ કરી હતી. આ બંને ચેનલો પર નેપાળના દર્શકો માટે ધાર્મિક અને યોગ સંબંધિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. આ ટીવી ચેનલો નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓઈસ્ટ સેન્ટરના પ્રમુખ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની સંયુક્ત હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી.
એવામાં નેપાળના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે ચેતવણી આપી હતી કે સરકાર મંજૂરી મેળવ્યા વિના અથવા જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના કાર્યરત ટીવી ચેનલો સામે પગલાં લેશે.
નેપાળના માહિતી અને પ્રસારણ વિભાગના મહાનિર્દેશક ગોગન બહાદુર હમાલે મીડિયાને જણાવ્યું કે બાબા રામદેવની બંને ચેનલોએ રજીસ્ટ્રેશન માટે અરજી કરી નથી. તેમણે કહ્યું હતું કે આ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. અમે પતંજલિ નેપાળ ચેનલ દ્વારા જારી કરાયેલા નિવેદન પર વિશ્વાસ કરી શકતા નથી. સત્ય જાણવા માટે અમે તપાસ સમિતિની રચના કરી છે. જો તેઓ અમારી પરવાનગી વિના અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના નેપાળમાંથી ટીવી ચેનલો ચલાવે છે અથવા તે અંગે કોઈ તૈયારીઓ કરી છે તો અમે જરૂરી પગલાં લઈશું.
આ બાબતે પતંજલિ યોગપીઠે જણાવ્યું હતું કે અમે કંપની ઓફિસ રજિસ્ટ્રાર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ ઉપરાંત બાકીની મંજૂરીઓ માટેની જરૂરી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
દરમિયાન, નેપાળમાં સ્થાનિક પત્રકારોની સંસ્થા ફેડરેશન ઓફ નેપાળી પત્રકારોનું કહેવું છે કે મીડિયામાં વિદેશી રોકાણને મંજૂરી નથી. સંગઠને બાબા રામદેવની બંને ચેનલોના લોન્ચિંગને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ વિવાદ અંગે પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ મીડિયાને કહ્યું હતું કે નેપાળમાં ડાઉનલિંકિંગ માટે આસ્થા ટીવી પાસે વર્ષ 2024 સુધીનું માન્ય લાયસન્સ છે. તેમણે કહ્યું હતું કે 19 ડિસેમ્બર પછી નિર્ધારિત પ્રક્રિયા મુજબ સંપૂર્ણ પ્રસારણ શરૂ થશે.