ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા સ્વરૂપો સામે આવ્યા બાદ રસી બનાવતી કંપનીઓ રસીનો બૂસ્ટર ડોઝ લાવવાની તૈયારી શરૂ કરી હતી. અમેરિકા સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લેવાનો શ્રેષ્ઠ સમય રસીના બીજા ડોઝના છ મહિના પછીનો છે. હવે ભારતમાં પણ બૂસ્ટર ડોઝ માટેની તૈયારીઓ થઈ રહી હોવાનું દેખાય છે. જોકે આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ત્રણથી ચાર મહિનામાં આ રસી લોન્ચ થાય તેવી અપેક્ષા છે.
કોવેક્સિનની નિર્માતા કંપની ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ આ અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત બાયોટેક તેની નેસલ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે જોઈ રહી છે. કારણ કે તેની અસર નીડલથી અપાતી રસી કરતાં ઘણી વધુ હોય છે અને તે લેનારા લોકો માસ્ક પહેરવાની જરૂરિયાતને દૂર કરી શકે છે. તેવો દાવો કંપનીએ કર્યો છે.
બૂસ્ટર ડોઝ શું છે?
બૂસ્ટર ડોઝ એ જ રસીનો હોઈ શકે છે જે રસી વ્યક્તિએ પહેલા લીધી છે. બૂસ્ટર ડોઝ શરીરમાં વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બૂસ્ટર ડોઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને યાદ અપાવે છે કે તેણે ચોક્કસ વાયરસ સામે લડવા માટે તૈયાર રહેવાનું છે.