ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એથી લોકો માને છે કે બીજી લહેરનો હવે અંત આવ્યો છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવનાએ આરોગ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી દીધી છે. જોકેસ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોનાની બીજી લહેરનો હજી અંત આવ્યો નથી અને દેશના ૮૦% કેસ ૯૦ જિલ્લાઓમાંથી જ આવે છે.
આજે સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે “દેશમાં હજી પણ કેટલાંક રાજ્યો એવાં છે કે જ્યાં પૉઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે, જેમાં અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરળ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલૅન્ડ જેવાં રાજ્યોનાં નામ સામેલ છે.” તેમણે ઉમેર્યું હતું કે “જો આ જિલ્લાઓમાં વધુ સંક્રમણ જોવા મળે છે, તો આપણે માનવું પડશે કે કેટલાક વિસ્તારોમાં હજી બીજી લહેર ચાલી રહી છે.”
અગ્રવાલે લોકોને ચેતવણી આપી હતી કે દેશમાં હજી બીજી લહેર ચાલી રહી છે. એથી કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આંકડા રજૂ કરતાં તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં ૮૦ ટકા કેસ 90 જિલ્લામાંથી આવે છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધુ કેસ નોંધાયા છે. જોકે આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે છેલ્લા ૯ દિવસથી દેશમાં 50,000થી ઓછા કેસ નોંધાયા છે.