ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
કોરોના મહામારીને કારણે વિશ્વ અત્યારે ત્રણ ભાગમાં વહેંચાઇ ગયું છે. એક ભાગમાં અતિ ધનાઢ્ય દેશ ઇંગ્લેન્ડ અને અમેરિકા. બીજા ભાગમાં ભારત અને બ્રાઝિલ જેવા મધ્યમવર્ગીય દેશ કે જેમના માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. જ્યારે ત્રીજા ભાગમાં આફ્રિકન અને એશિયાના ગરીબ દેશોનો સમાવેશ થાય છે. અમેરિકા અને યુરોપ જેવા સંપન્ન દેશોએ પોતાની પાસે 53 ટકા કોરોના વેક્સિન પુરવઠો સાચવીને રાખ્યો છે. જ્યારે ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશોમાં જનસંખ્યા વધારે હોવાથી ત્યાં વેક્સિનની અછત સર્જાય છે. ત્યાં આફ્રિકા અને એશિયા ખંડના ગરીબ દેશોની પરિસ્થિતિ એટલી વિકટ છે કે, પૈસા ન હોવાને કારણે એ દેશના 60 ટકા ગરીબ નાગરિકોએ કોરોના વેક્સિન મેળવવા માટે વર્ષ 2023 સુધી રાહ જોવી પડશે.

અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં જ્યાં જનસંખ્યા ભારત અને બ્રાઝિલ જેવા દેશોની સરખામણી એ ઓછી છે,તેવા દેશમાં 53 ટકા રસીનો પુરવઠો રાખવાનો કોઈ અર્થ નથી, તે છતાં તેમણે તેમની પાસે કોરોના રસીનો પુરવઠો સાચવી રાખ્યો છે. આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોની પરિસ્થિતિ 'ન ઘરકા ન ઘાટકા,' જેવી દયનીય હોવાથી તેઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ધનાઢ્ય દેશો પાસેથી રસી માટે હાથ લંબાવવાનો વખત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના 60% નાગરિકોએ કોરોનાની રસી નો પહેલો ડોઝ અને 58% નાગરિકોને કોરોનાની બીજી રસીનો ડોઝ લઈ લીધો છે. બ્રિટનમાં 50% નાગરિકોએ પહેલો ડોઝ અને 16% નાગરિકોએ બીજો ડોઝ લઈ લીધો છે.
અમેરિકાના 41% લોકોએ રસી નો પહેલો ડોઝ અને 26% લોકોએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે.
જ્યારે સૌથી વધારે કોરોના વેક્સિનના ઉત્પાદક એવા ભારત દેશમાં ફક્ત આઠ ટકાથી પણ ઓછા લોકોએ કોરોના રસી નો પહેલો ડોઝ લીધો છે અને એક ટકાથી પણ ઓછા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.