ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
રાયપુર, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બ્રાહ્મણ સમાજને વિદેશી કહીને ટિપ્પણી કરવાના, સામાજિક દ્વેષ ઊભો કરવાના અને ભગવાન રામ પર અયોગ્ય ટિપ્પણી કરવાના આક્ષેપ હેઠળ છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પિતાને જેલમાં બંધ કરાયા હતા. જેમને કોર્ટ દ્વારા જામીન મળ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલ રાયપુરની જેલમાં ત્રણ દિવસથી બંધ હતા. 5મી સપ્ટેમ્બરે તેમની ધરપકડ બાદ તેમણે જામીન લેવાનું નકારતાં કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું કહ્યું હતું. જામીન લેવાનું નકારવાને કારણે કોર્ટે તેમને ૧૪ દિવસ ન્યાયિક હિરાસતમાં મોકલ્યા હતા. ત્યાર બાદ જામીન માટે અરજી કર્યા બાદ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે.
નંદકુમાર બઘેલ વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ તેમણે સોશિયલ મીડિયા ઉપર ખેદ પ્રકટ કરતાં કહ્યું હતું કે તેમનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. તેઓ પછાત, અનુસૂચિત જાતિ અને જનજાતિના હિતમાં વાત કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભૂપેશ બઘેલે પિતા વિરુદ્ધ થયેલા આક્ષેપો બાબતે કહ્યું હતું કે અમારી સરકારમાં કાયદો સર્વોપરી છે. મુખ્યમંત્રીના પિતાને પણ માફી નહીં મળે.