ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ, 2021
ગુરુવાર
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં થતી વટઘટની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. હાલ દેશમાં ક્રૂડ ઑઇલના ભાવે માઝા મૂકી છે, ત્યારે વર્ષના અંત સુધીમાં બજારમાં વધારાનું ક્રૂડ ઑઇલ ઠલવાશે અને એના ભાવમાં ઘટાડો થવાની શક્યતા બજારનાં વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
OPEC (ઑર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોટિંગ કન્ટ્રી-ઑપેક) દેશોએ આગામી દિવસોમાં એટલે કે ઑગસ્ટથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં દૈનિક સ્તરે ચાર લાખ બૅરલ તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. એની અસરરૂપે બજારમાં તેલનો સ્ટૉક વધશે. ઑપેકના આ નિર્ણયથી ઑગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વૈશ્વિક સ્તરે તેલની થતી સપ્લાયમાં વધારાનું 20 લાખ બૅરલ ક્રૂડ ઑઇલનો ઉમેરો થશે.
બજારના જાણકારોના કહેવા મુજબ પ્રતિદિન ક્રૂડ ઑઇલના ઉત્પાદનને લઈને લાંબા સમયથી તેલનું ઉત્પાદન કરનારા દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં UAE (યુનાઇટેડ અરબ એમિરેટ્સ) ઉત્પાદિત ક્વોટાની બેઝલાઇનનો આગ્રહ રાખ્યો હતો. જોકે એ વિવાદનો હાલ પૂરતો ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. એ મુજબ રશિયા અને ઑપેક દેશો આગામી મે, 2022થી ક્રૂડ તેલના ઉત્પાદનનો નવો ક્વોટા ફાળવવા સહમત થયા છે. UAEનો આગ્રહ દૈનિક સ્તરે 3.32 લાખ બૅરલ બેઝિક ઉત્પાદન ક્વોટા વધારવાનો હતો. એની સામે સાઉદી અરેબિયા અને રશિયા દૈનિક પાંચ લાખ બૅરલ વધારાનો લાભ લઈ રહ્યા છે. ઈરાન અને કુવૈતે પણ ઉત્પાદન વધારીને 1.5 લાખ બૅરલ કરી નાખ્યું છે.