ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
યુપીના બુલંદશહેરમાં એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી કારણ કે તેણે વાળ કાપવાની ના પાડી હતી. આ ઘટના બુલંદશહરના અગોટા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ઈરફાન નામના વાળંદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જૂના લેણાં બાબતે ઝઘડો થયો હતો અને આરોપીએ પૈસા ચૂકવ્યા ન હોવાથી ઈરફાને વાળ કાપવાની ના પાડી હતી.
આરોપીનું નામ સમીર છે, જે લાંબા સમયથી ઈરફાન પાસેથી વાળ કપાવતો હતો. આ વખતે પણ તેણે ઈરફાનને વાળ કાપવાનું કહ્યું હતું, પરંતુ વાળંદે વાળ કાપવાની ના પાડી. તેણે પહેલા તેના જૂના પૈસા માગ્યા અને પછી જ તેના વાળ કાપશે તેમ કહ્યું હતું. આટલી વાત સમીર સહન ન કરી શક્યો અને ઈરફાનને ગોળી મારી દીધી. આરોપી સમીર અને અન્ય એક વ્યક્તિએ ઈરફાનના ભાઈ પર પણ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઈરફાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના ભાઈને પગમાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોઈએ આ ઘટનાનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હાલ તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મીડિયાને માહિતી આપી હતી કે વાળંદ અને આરોપી બંને એક જ ગામના છે અને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. આ કેસમાં પોલીસ હજુ કેટલાક આરોપીઓને શોધી રહી છે. પોલીસે મીડિયાને કહ્યું હતું કે, આ ઘટનામાં કુલ 4 આરોપીઓમાંથી 2 ને પકડી લેવામાં આવ્યા છે. મૃતક ઈરફાનના પિતાએ જણાવ્યું કે તેમનો 22 વર્ષીય પુત્ર ઈરફાન સેલૂન ચલાવતો હતો અને તેમનો પાડોશી સમીર પણ અહીં જ વાળ કપાવવા માટે આવતો. પરંતુ 24 નવેમ્બરે જ્યારે સમીર આવ્યો તો ઈરફાને તેને આગલા પૈસા ચૂકવવા માટે કહ્યું. તેમાંથી બંને વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો અને ત્યારબાદ સમીર ઘરે જઈને બંદૂક લઇ આવ્યો. તેણે બંદૂકમાંથી ગોળીબાર કરતા ઈરફાનને છાતી અને પેટમાં ગોળી વાગી ગઈ અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.
આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે.