News Continuous Bureau | Mumbai
Deepfake video : અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં તેના ડીપફેક વીડિયોના કારણે ખૂબ જ ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જે ડીપફેક છે. રશ્મિકા મંદન્નાએ આ અંગે કાયદાકીય કાર્યવાહીની માગ પણ કરી હતી. તેની સાથે જ અમિતાભ બચ્ચન સહિત અન્ય કેટલાક સેલિબ્રિટીએ પણ આ મામલે કાયદાકીય કાર્યવાહીની માગ કરી હતી. ત્યારે હવે સરકારે આવી બાબતોમાં કડક વલણ અપનાવ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહેવામાં આવ્યું હતું કે, તેમણે ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારના ડીપફેક અથવા મોર્ફ્ડ કરેલા વીડિયોને દૂર કરવા પડશે, અન્યથા તેમની સામે આઈટી નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
છેતરપિંડી માટે શું સજા થશે?
એડવાઈઝરીમાં આવી છેતરપિંડી કરનારાઓ સામે સજા નક્કી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, જેઓ IT એક્ટ, 2000ની કલમ 66D હેઠળ કમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને ચેડા કરતા જણાય છે તેમને ત્રણ વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાન સામે Glenn Maxwellની વિસ્ફોટક બેટિંગના વિરાટ કોહલીએ આ રીતે કર્યા વખાણ, કહ્યું- આ માત્ર…!
પીડિત કોર્ટમાં જઈ શકે છે
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોમવારે ટ્વિટર પર મંડન્નાના ડીપફેક વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ કોઈપણ ખોટી માહિતીને દૂર કરવા માટે બંધાયેલી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “IT નિયમો, 2021 હેઠળ, કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ્સ માટે તે કાનૂની જવાબદારી છે. જો પ્લેટફોર્મને આવી સામગ્રીને દૂર કરવા માટે વપરાશકર્તા અથવા સરકારી સત્તાધિકારી તરફથી આદેશ મળે તો પગલાં લેવાનું ફરજિયાત છે. જો કંપની આમ કરવામાં નિષ્ફળ જાય, તો નિયમ 7 લાગુ કરવામાં આવશે, જે પીડિત વ્યક્તિઓને ભારતીય દંડ સંહિતા (IPC) ની જોગવાઈઓ હેઠળ કોર્ટમાં જવાનો અધિકાર આપે છે.”