News Continuous Bureau | Mumbai
Delhi દેશની રાજધાની દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની એક નાની બાળકીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું.
રાત્રે 2:39 વાગ્યે ભભૂકી આગ, 6 ફાયર ફાઈટરોની જહેમત
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને મોડી રાત્રે 2:39 વાગ્યે મજલિસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે આવેલા DMRC ક્વાર્ટર્સમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. આગ પાંચમા માળે એક ફ્લેટમાં લાગી હતી. આગ ઓલવવા માટે તાત્કાલિક 6 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. જ્યારે ફાયરની ટીમ અંદર પ્રવેશી ત્યારે તેમને ઘરના સામાનની સાથે ત્રણ લોકોના સળગેલા મૃતદેહ મળ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : Santosh Dhuri: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: સંતોષ ધુરી મનસેને કહેશે ‘જય મહારાષ્ટ્ર’? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઠાકરેની ચિંતા વધી
મૃતકોની થઈ ઓળખ, આખો પરિવાર વિખેરાયો
રિપોર્ટ મુજબ પોલીસે મૃતકોની ઓળખ 42 વર્ષીય અજય, 38 વર્ષીય નીલમ અને તેમની 10 વર્ષની પુત્રી જ્હાન્વી તરીકે કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ફ્લેટમાં રાખેલા ઘરના સામાનમાં લાગી હતી અને જોતજોતામાં તેણે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાત્રિનો સમય હોવાથી પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ હાલમાં આદર્શ નગરની ઘટનાના નમૂનાઓ એકત્ર કરી રહી છે.