ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતભરમાં 26/11થી પણ મોટા વિસ્ફોટ કરવાનું પાકિસ્તાનની આઇએસઆઇ અને દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમનું ષડ્યંત્ર નિષ્ફળ ગયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે છ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યાં હતાં. પૂછપરછ દરમિયાન વિસ્ફોટક દેશની અંદર કેવી રીતે પહોંચાડ્યા એનો ખુલાસો આતંકવાદીઓએ કર્યો છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે છમાંથી બે આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. આ કાવતરાના માસ્ટરમાઇન્ડ અનીસ ઇબ્રાહિમે ભારતમાં વિવિધ ઠેકાણે હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડવાની જવાબદારી લીધી હતી. દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી આ લોકોનું નેટવર્ક ફેલાયેલું હતું.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલો સામાન 9મી ઑગસ્ટ, 2021ના રોજ અમૃતસરમાં ડ્રૉનની મદદથી ડ્રૉપ કરવામાં આવેલાં હથિયારો જેવો જ છે.
હાલમાં આ છ આતંકવાદીઓ પોલીસ હિરાસતમાં છે. વધુ પૂછપરછમાં અન્ય ખુલાસા થઈ શકે છે.