ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
હાલ દેશભરમાં કોરાના રસીની ભારે અછત છે. તેમ છતાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ રસીના ૫૦ લાખ ડોઝ બ્રિટનને નિકાસ કરવા માંગતી હતી. કંપનીએ આ અંગે સરકાર સાથે અનેક તબક્કાની વાટાઘાટો કરી હતી, પરંતુ સરકારે એસઆઈઆઈના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
કંપનીએ દલીલ કરી હતી કે રસી પૂરી પાડવા માટે બ્રિટન સાથે પહેલાથી કરાર થયો છે. ભારત સરકારે રસીનો અભાવ હોવાનું જણાવી એસઆઈઆઈની દરખાસ્તને નકારી કાઢી હતી. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ૨૩ માર્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટે બ્રિટનને 50 લાખ કોવિશિલ્ડના ડોઝ સપ્લાય કરવા મંત્રાલયની મંજૂરી માંગી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ સંદર્ભે એસ્ટ્રાઝેનેકા સાથે થયેલા કરારનો હવાલો આપ્યો હતા અને સરકારને ખાતરી આપી હતી કે આ પુરવઠો દેશના રસીકરણ અભિયાનને અસર કરશે નહીં. હવે સરકારે કહ્યું છે કે આ ૫૦ લાખ રસીનો ઉપયોગ ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વર્ષની વયના લોકોને રસીકરણ માટે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોવિશિલ્ડ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રસી પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બનાવવામાં આવી રહી છે. દરમિયાન ભારત બાયોટેકે પણ ૧ મેથી દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના 14 રાજ્યોમાં કોવિડ-૧૯ રસી કોવોક્સિનની સપ્લાય શરૂ કરી દીધી છે.