ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે અનેક પ્રકારની છૂટછાટો સરકારે આપી દીધી છે. એથી કેટલાય મહિના ઘરમાં જ અટવાઈ રહેલા લોકોએ ફરવા માટે ઊપડી જવાનું ચાલુ કરી દીધું છે. એની સીધી અસર દેશના ઉડ્ડયન ક્ષેત્ર પર પડી છે. જુલાઈ મહિનામાં જ દેશમાં ડોમેસ્ટિક ફ્લાયરની સંખ્યામાં 137.59 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ડોમેસ્ટિક ઍર પેસેન્જરની સંખ્યા 21.07 લાખ હતી, એ આ વર્ષે વધીને 50.07 લાખ પર પહોંચી ગઈ છે.
જૂન 2021માં ડોમેસ્ટિક ફ્લાયરોની સંખ્યા 31.1 લાખ હતી, એ જુલાઈ 2021માં 50.07 લાખ પર પહોંચી ગઈ છે. એટલે કે લગભગ 61 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કોરોના નિયંત્રણમાં હતો ત્યારે દર મહિને લગભગ 77 લાખ ડોમેસ્ટિક પ્રવાસીઓ નોંધાયા હતા. એપ્રિલમાં જોકે કોરોનાની બીજી લહેરને પગલે દેશભરમાં ફરી આકરાં નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં હતાં. એથી ફરીથી ડોમેસ્ટિક પ્રવાસને એની અસર પડી હતી. એપ્રિલ 2021માં ડોમેસ્ટિક પ્રવાસીની સંખ્યા 57.2 લાખ હતી, એ મે 2021માં ઘટીને સીધી 21.1 લાખ પર આવી ગઈ હતી. બાદમાં જોકે કોરોનાની બીજી લહેર પણ ધીમે-ધીમે નિયંત્રણમાં આવતાં ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા ફરી વધવા માંડી હતી. જૂનમાં આ સંખ્યા 31.1 લાખ થઈ ગઈ હતી.
ચોંકાવનારો રિપોર્ટ : વેક્સીન લગાવ્યા બાદ પણ દેશમાં આટલા લાખથી વધુ લોકો થયા કોરોનાગ્રસ્ત
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઇન્ડિગો ડોમેસ્ટિક લેવલ પર 58 ટકા પ્રવાસીઓ સાથે અગ્રેસર છે. ઍર ઇન્ડિયા 13.8 ટકા સાથે બીજા નંબર પર ડોમેસ્ટિક પ્રવાસીઓ ધરાવે છે.