ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સાથે જ પરિસ્થિતિ હાથની બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખાસ કરીને કાબુલમાં ફસાઈ ગયેલા ભારતીય નાગિરકો જ નહીં, પણ સ્થાનિક નાગરિકો પણ ત્યાંથી બહાર નીકળવાના પ્રયાસમાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ પોતાના નાગરિકો અને રાજદ્વારીઓ સ્વદેશ પાછા લાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. એ પ્રયાસ હેઠળ આજે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાં ફસાયેલા 120 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા.
કાબુલથી ઊપડેલુ વાયુસેનાનું વિમાન જામનગર ઍરપૉર્ટ પર સવારના 10.45 વાગ્યે લૅન્ડ થયું હતું. સ્વદેશ સહીસલામત પાછા ફરવાનો આનંદ તમામ ભારતીયોના મોં પર જોવા મળ્યો હતો. ઍરપૉર્ટ પર ઊતરતાંની સાથે જ ભારત માતા કી જય, જય હિંદ અને વંદે માતરમના નારા સાથે ઍરપૉર્ટને તેમણે ગજવી નાખ્યું હતું. બચાવી લેવામાં આવેલા મોટા ભાગના લોકો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને અન્ય સરકારી ઑફિસમાં તેમ જ સરકારના જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરનારા લોકો છે.