ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
ભારતીય લશ્કરે પૂર્વીય લદ્દાખ સેક્ટરમાં કોઈ પણ ચીની આક્રમણને નિષ્ફળ બનાવવા માટે તેની T-90 ભીષ્મ અને T-72 અજય ટૅન્કોને તહેનાત કરી છે. ભારતીય લશ્કરે પૂર્વીય લદ્દાખમાં એની ટૅન્કોની મોટા પાયે જમાવટ શરૂ કર્યાના એક વર્ષથી વધુ સમય પછી, આર્મર્ડ રેજિમેન્ટ્સે હવે તેમનાં મશીનોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.
ચીનની સરહદથી લગભગ 40 કિલોમીટરના અંતરે એક ઊંચાઈવાળા વિસ્તારોમાં ટૅન્કોનો યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર હવે આ ટૅન્કોની જાળવણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે ભારે શિયાળો રબર અને અન્ય ભાગોને અસર કરી શકે છે. જો આપણે આ ટૅન્કોને સારી રીતે જાળવી શકીએ તો અમે અહીં ખૂબ લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે આત્યંતિક પરિસ્થિતિઓ અને મુશ્કેલ વિસ્તારોમાં ટૅન્કો ચલાવવા માટે અમારી પોતાની માર્ગદર્શિકા તૈયાર કરી છે.
ઉલ્લેખનીય છે કે પેંગોંગ તળાવ અને ગોગરા ઊંચાઈ જેવાં કેટલાંક સ્થળોએ સૈનિકોના પરત ફરવા છતાં, બંને પક્ષોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની મોટી ટુકડી જાળવી રાખી છે. ભારતીય સેનાએ ઊંચાઈ પર કોઈ પણ ખતરા કે પડકારને પહોંચી વળવા માટે ટૅન્કો અને આઇસોલેશન કન્ટ્રોલ વાલ્વ (ICV)ની તહેનાતી સાથે આ વિસ્તારોમાં એની કામગીરીને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે.