News Continuous Bureau | Mumbai
Farooq Abdullah Attack જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લા બુધવારે મોડી રાત્રે જમ્મુના ગ્રેટર કૈલાશ સ્થિત રોયલ પાર્કમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ એ તેમની અત્યંત નજીક જઈને પિસ્તોલ તાણી દીધી હતી. સુરક્ષામાં તૈનાત NSG કમાન્ડો અને પોલીસકર્મીઓએ તરત જ હુમલાખોરને દબોચી લીધો હતો અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં ફારૂક અબ્દુલ્લા સુરક્ષિત છે, પરંતુ ડેપ્યુટી સીએમ સુરિંદર ચૌધરીને ગોળીના છરા વાગતા નજીવી ઈજા થઈ હોવાના અહેવાલ છે.હુમલાખોરની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, જે જમ્મુના જૂની મંડી વિસ્તારનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી બંદૂક જપ્ત કરી લીધી છે.
કોણ છે હુમલાખોર કમલ સિંહ?
પોલીસ પૂછપરછમાં આરોપી વિશે નીચે મુજબની વિગતો સામે આવી છે:
રહેઠાણ: કમલ સિંહ જામવાલ જમ્મુના ઓલ્ડ સિટી (જૂની મંડી) વિસ્તારમાં રહે છે.
ઉંમર: તેનો જન્મ ૧૯૬૩માં થયો હતો, એટલે કે તેની ઉંમર અંદાજે ૬૩ વર્ષ છે.
આજીવિકા: જમ્મુના ઓલ્ડ સિટી વિસ્તારમાં તેની પોતાની ઘણી દુકાનો છે અને તે આ દુકાનોના ભાડા દ્વારા પોતાનું જીવન વિતાવે છે.
હથિયાર: જે બંદૂકથી તેણે ફાયરિંગ કર્યું તે તેનું લાયસન્સ વાળું હથિયાર હોવાનું કહેવાય છે.
“20 વર્ષથી મારવા માંગતો હતો” – આરોપીનો હેતુ
હુમલાખોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે ફારૂક અબ્દુલ્લાની હત્યા કરવી એ તેનો ‘પર્સનલ એજન્ડા’ હતો. તેણે કહ્યું કે, “હું છેલ્લા ૨૦ વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવાની તકની રાહ જોતો હતો.” જોકે, આ પાછળનું ચોક્કસ કારણ શું છે અને શું તે કોઈ સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Trump Trade War: ભારત અને ચીન વિરુદ્ધ અમેરિકાની કડક કાર્યવાહી, તોતિંગ ટેરિફ લાગવાની શક્યતા વચ્ચે ભારતીય નિકાસકારોમાં ચિંતા.
સુરક્ષામાં મોટી ચૂક પર ઉમર અબ્દુલ્લાના સવાલ
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “અલ્લાહ રહેમદિલ છે, મારા પિતા એક મોટા જોખમમાંથી બચી ગયા છે.” તેમણે સવાલ ઉઠાવ્યો કે Z+ અને NSG સુરક્ષા ધરાવતા પૂર્વ મુખ્યમંત્રીની આટલી નજીક કોઈ સશસ્ત્ર વ્યક્તિ કેવી રીતે પહોંચી શકે? જમ્મુ-કાશ્મીરના મંત્રી સતીશ શર્માએ પણ આને સુરક્ષામાં મોટી ચૂક ગણાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
