ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર, 2021
સોમવાર
અરબી સમુદ્રમાં ગુજરાતના કિનારે ગોળીબાર થયો હતો. આ નાપાક કૃત્ય બીજા કોઈએ નહિ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી(PMSA)ના જવાનોએ કર્યું છે. જેને લીધે મહારાષ્ટ્રના એક માછીમારનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 5 નવેમ્બરના રોજ 4 વાગે PMSAના જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે બોટ પર થયો હતો. ઘટના અંગે માહિતી આપતાં દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણેનો એક માછીમાર બોટમાં સવાર હતો. તે માછીમારી કરવા ગયો હતો. આ ફાયરિંગમાં તેનું મોત થયું હતું. જ્યારે બોટમાં 7 ક્રૂ મેમ્બર હાજર હતા. જેમાંથી એક ઘાયલ થયો છે.
મળેલી માહિતી મુજબ પોલીસે ઘટના વિશે વિગત આપતા જણાવ્યું હતું કે, મૃતક માછીમારનું નામ શ્રીધર રમેશ છામરે (32 વર્ષ) છે. 7 નવેમ્બરે તેમના મૃતદેહને ઓખા બંદરે લાવવામાં આવ્યો હતો. પોરબંદર નવીબંદર પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. ગુજરાતમાં અરબી સમુદ્રમાં 12 નોટિકલ માઈલ સુધીની રેન્જમાં બનતી ઘટના નવીબંદર પોલીસના વિશેષાધિકાર હેઠળ આવે છે. ACPએ જણાવ્યું હતું કે છામરે 25 ઓક્ટોબરના રોજ મરમેઇડ બોટમાં સાત સભ્યો સાથે ઓખાથી નીકળ્યા હતા. જેમાં ગુજરાતના 5 અને મહારાષ્ટ્રના બે સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.