ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે ૨૦૨૧
શનિવાર
સાપ્તાહિક ‘ધ વીક’ જેણે વર્ષ ૨૦૧૬માં સ્વતંત્રસેનાની વિનાયક દામોદર સાવરકરને બદનામ કરતો લેખ પ્રકાશિત કર્યો હતો, તેણે હવે માફી માગી છે. ‘ધ વીક’એ એક નિવેદન આપી માફી માગી હતી. તેમ છતાં આ વિવાદ અહીં પૂરો થશે નહિ, કારણ કે સંબંધિત લેખના લેખક પત્રકાર નિરંજન ટકલે લેખમાંનાંમંતવ્યો પર મક્કમ છે અને માફી માગવા તૈયાર નથી.
હકીકતે ૨૪ જાન્યુઆરી, ૨૦૧૬માં ‘A lamb lionised’ એટલે કે ‘બકરાને સિંહ ગણવો’ તેવા શીર્ષક સાથે એક લેખ પ્રકાશિત કર્યો હતો. લેખમાં ‘હીરોથી ઝીરો’ જેવો શબ્દપ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. સાવરકરની સામાન્ય નમ્રતાનું માફીનામું એવો અર્થ કરી આ લેખ પ્રકટ કરવામાં આવ્યો હતો. આ લેખ પ્રકાશિત થયા બાદ ખૂબ વિવાદ થયો હતો. હવે ‘ધ વીક’એ નિવેદન આપી કહ્યું છે કે “આ લેખ માટે લોકોને ગેરસમજ ઊભી થઈ છે. અમે સાવરકરનું સન્માન કરીએ છીએ. જો આ લેખથી કોઈની લાગણી દુભાઈ હોય તો અમે મૅનેજમેન્ટ તરીકે માફી માગીએ છીએ અને આ વાતનો અમને અફસોસ છે.”
ઉલ્લેખનીય છે કે સાવરકરના ભત્રીજા રણજિત સાવરકરે આની વિરુદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. નિરંજન ટકલે હવે ધ વીકમાં પત્રકાર નથી તેમ જ એ સમયના સંપાદક ટી. આર. ગોપાલકૃષ્ણન હવે ધ વીકમાં કાર્યરત નથી.
દરમિયાન ‘ધ વીક’ના હાલના સંપાદક વી. એસ. જયેશચંદ્રને સૂચવ્યું છે કે ‘ધ વીક’એ કોર્ટની બહાર સમાધાનનો પ્રયાસ કરવા બદલ માફી માગવી જોઈએ. ‘ધ વીક’એ સંપાદકોના નામ વિના માફી માગી છે. જોકે, રણજિત સાવરકરે આમાં સંબંધિતોને સજા મળવી જોઈએ એવું વલણ અપનાવ્યું છે. તો નિરંજન ટકલે ‘ધ વીક’ની નવી ભૂમિકા વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે તે આ કેસ કોર્ટમાં લડીને જીતશે.