ભારત – ચીન સરહદ પર સ્થિતી સ્ફોટક, ચીને ભારત પર લગાવ્યો ફાયરીંગ નો આરોપ. ભારતે આરોપો નકાર્યા….
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 સપ્ટેમ્બર 2020
પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આપણી સીમામાં ઘૂસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતના જવાનોએ હાંકી કાઢયાં હતાં. સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ ચીને ભારતીય જવાનો પર આક્ષેપ મુક્યો છે કે 'ભારતે LAC પર હવામાં પ્રથમ ગોળીબાર કરી સયુંકત કરારનો ભંગ કર્યો છે.' ચીને વધુમાં આરોપ મૂક્યો છે કે 'ભારતીય સૈનિકોએ સોમવારે LAC પાર કરવાની કોશિશ કરી હતી, અને ચીનની સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોને ડરાવવા હવામાં ગોળીબાર કર્યો હતો.'
આ ઘટના અંગે ભારતીય સેનાસે નિવેદન આપ્યું છે કે ચીન જાણીજોઈને ભારતીય જવાનોને ઉકસાવી રહ્યું છે. આમ છતાં ભારતીય સેનાએ કોઈ પણ જાતનો ગોળીબાર કર્યો નથી. ભારતીય સેનાએ કહ્યું છે કે 'કોઈ પણ તબક્કે તેઓ એલએસીની આડે આવ્યા નથી અને કોઈ પણ આક્રમક માધ્યમનો ઉપયોગ કર્યો નથી. નોંધનીય છે કે આ ઘટના શેનપાવો પર્વત નજીક પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે ઘટી હતી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે સરહદ પર તણાવ ઓછો કરવા શુક્રવારે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણ પ્રધાન વેઇ ફેંગે મોસ્કોમાં વાતચીત કરી હતી. અને આગામી 10 સપ્ટેમ્બરના રોજ, વિદેશ પ્રધાન એસ.કે.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી મોસ્કોમાં વાતચીત કરવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની 29 અને 31 ઓગસ્ટના રોજ, ચીની સૈનિકોએ દક્ષિણ પેંગોંગ તળાવના કાંઠે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ તેમને આગળ વધતા અટકાવ્યા જ ન હતા, પરંતુ તેની બાજુમાં આવેલા ઘણા વિસ્તારોમાં પણ પોતાની પકડ મજબૂત કરી હતી.. આ પહેલા 15 જૂને પણ ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. સામી બાજુ 35 ચીની સૈનિકો માર્યા ગયાના ખબર આવ્યા હતા. જોકે, ચીને હજી સુધી તેનો ખુલાસો કર્યો નથી કે તેના કેટલા સૈનિકો માર્યા ગયા.
