ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
લાંબા અંતરની ટ્રેનના જનરલ કોચમાં પ્રવાસ કરનારાઓ માટે રાહતના સમાચાર છે. પ્રવાસીઓને ઓછા ટિકિટ ભાડામાં એસી કોચમાં સફરનો આનંદ મળી શકે છે. આ જનરલ કોચને એસી કંપાર્ટમેન્ટમાં બદલવાની તૈયારી રેલવે કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ એસી કોચમાં 100-120 પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા હશે અને સામાન્ય લોકો પણ આ ડબ્બામાં પ્રવાસ કરી શકશે. આ કોચ પૂર્ણ રીતે આરક્ષિત હશે અને તેમાં બંધ થતા દરવાજા હશે. રેલ્વે મંત્રાલયમાં આ યોજના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. પ્રથમ એસી જનરલ ક્લાસના કોચનું નિર્માણ પંજાબના કપૂરથલામાં રેલ્વે કોચ ફેક્ટરીમાં કરવાની સંભાવના છે.
જોકે રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી મુખ્ય ટ્રેનોને છોડીને તમામ લાંબા અંતરની ટ્રેનોમાં કોરોના મહામારીથી પહેલા અનારક્ષિત સામાન્ય કોચ હતા.
તાજેતરમાં રેલ્વેએ સ્લીપર ક્લાસ કોચમાં પ્રવાસ કરવાનો વિકલ્પ પસંદ કરનારાઓ માટે એસી-3 ટીયરથી ઓછું ભાડું ધરાવતા એસી ઇકોનોમી ક્લાસ કોચની રજૂઆત કરી છે. રેલ્વેએ એક ઓલ-એસી ઇકોનોમી ટ્રેનની પ્રથમ સેવા પણ શરૂ કરી છે. જો રેલ્વેની યોજના સફળ થાય છે તો આમ આદમીને ઓછા ભાડા માં જ એસીનો આનંદ મળી શકે છે.