News Continuous Bureau | Mumbai
દેશમાં તુવેર અને અડદની દાળના ભાવમાં ઉછાળો આવ્યો છે. સરકાર તેનું કારણ આંતરાષ્ટ્રીય બજાર સહિત સંગ્રહખોરી જણાવી રહ્યુ છે. ત્યારે સરકારે સંગ્રહખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે આ મામલે ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે મુખ્ય કઠોળ ઉત્પાદક અને વપરાશકર્તા રાજ્યો સાથે તુવેર અને અડદ દાળના સ્ટોક ડિસ્ક્લોઝરની સ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
સંગ્રહખોરને સંકજામાં લેવા બેઠકમાં રાજ્યો સાથે શું ચર્ચા કરાઇ જાણો
ગ્રાહક બાબતોના વિભાગે આ તકે રાજ્યોને વિવિધ એકમો દ્વારા રાખવામાં આવેલા સ્ટોકને ચકાસવા અને EC એક્ટ, 1955 અને બ્લેક માર્કેટિંગ અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અધિનિયમ, 1980ની સંબંધિત કલમો હેઠળ અઘોષિત સ્ટોક્સ પર કડક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 12 વરિષ્ઠ અધિકારીઓને વિવિધ રાજ્યોની રાજધાનીઓ અને તુવેરનો પાક લેતા મુખ્ય જિલ્લાઓ અને વેપાર કેન્દ્રોમાં નિયુક્ત કર્યા છે. જેથી વિવિધ માર્કેટ પ્લેયર્સ, મિલરો અને સ્ટોરેજ સંચાલકો પાસેથી ગ્રાઉન્ડ લેવલની હકિકત જાણી શકાય. જેના થકી આગળની કાર્યવાહી નક્કી કરી શકાય.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની ઝગમગાટ ને કારણે પાલિકા પર વધ્યો બોજો, શહેરના દરેક વોર્ડના વીજ બિલમાં થયો આટલા ટકાનો વધારો
તો આ તરફ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોને કારણે દેશમાં કઠોળની કિંમતમાં વધારો નોંધાઇ રહ્યો છે.
વધુમાં શંકર ઠક્કરે જણાવ્યું હતું કે રિટેલ કે હોલસેલ વેપારીઓને ભાવ વધારા સાથે કોઈ લેવાદેવા નથી. આંતરરાષ્ટ્રીય બજારો તેના ભાવ નક્કી કરે છે. અને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મોટા પાયે સંગ્રહખોરી કરવાની શક્યતાઓ છે. જો સરકાર તમામ સામે પગલાં લેશે તો છૂટક અને જથ્થાબંધ વેપારીઓને બિનજરૂરી હેરાનગતિ થશે, જેના કારણે ભ્રષ્ટાચાર વધશે.