ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
આજે સવારે મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા માટે હરાજીમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ટાટા સન્સે બીડ જીતી લીધી છે. જોકે, હવે સરકાર તરફથી પણ સ્પષ્ટતા આવી છે કે, આ બાબતે હજી નિર્ણય લેવાયો નથી. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે જાણકારી અપાશે.
સરકારી સંપત્તિઓના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગ દ્વારા આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે, ‘સરકારે એર ઈન્ડિયા માટેના બિડને મંજૂરી આપી દીધી છે તેવી ખબરો મીડિયામાં વહેતી થઈ છે. આ અહેવાલો ખોટા છે. સરકારે આ બાબતે નિર્ણય લીધો નથી. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે મીડિયાને જાણકારી આપવામાં આવશે.’
સૂત્રોનું કહેવું છે કે એર ઈન્ડિયાના નવા માલિક અંગેનો નિર્ણય આગામી અમુક દિવસોમાં જ લેવામાં આવશે. હાલ તમામ બોલીઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને અનેક બોલીઓ મળી છે. એમાં ટાટા ગ્રુપની ટાટા સન્સ કંપની પણ છે. આ કંપની દાવેદારોમાં સૌથી આગળ છે.
ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટ દ્વારા બોલી લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે બીજી વખત પ્રયત્ન કર્યો છે. આ પહેલા 2018માં સરકારે પોતાની 76 ટકા હિસ્સેદારી વેચવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી નહોતી.
જાણો ક્યારે થઇ એર ઈન્ડિયાની શુરુઆત?
એર ઈન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા જ કરવામાં આવી હતી. ટાટા ગ્રુપના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1947માં રાષ્ટ્રીય જરૂરિયાત ઊભી થતાં સરકારે 49% હિસ્સો ખરીદી લીધો હતો. ત્યારબાદ 1953માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કરીને મેજર હિસ્સો લઈ લીધો હતો અને સરકાર દ્વારા સંચાલન થતું હતું.