ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
25 જાન્યુઆરી 2021
હજારો ખેડૂતોની સાથે દિલ્હીમાં એક મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા પંજાબના એક ખેડૂતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીને ભાવનાત્મક પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ તેમના પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવા કૃષિ કાયદા રદ કરવા માટે મનાવે, જેના વિરુદ્ધમાં દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. તેમણે પત્રમાં આશા વ્યક્ત કરી હતી કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને પોતાનું મન બદલવા માટે તૈયાર કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે.
પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગામ ગોલુના મોઘના ખેડૂતે આ પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના માતા હીરાબેન મોદી ને વિનંતી કરતા અનેક ભાવનાત્મક મુદ્દાઓ લખ્યા છે. જેમાં કડકડતી ઠંડી વચ્ચે વિરોધ કરવા માટેની ખેડૂતોની મજબૂરી, કાયદા વિરુદ્ધ દેશભરના ખેડૂતોની માંગણી, દેશમાં ભૂખ ભાંગવાથી લઈને પોતાની સરહદોની સુરક્ષા કરવામાં ખેડૂતોનું યોગદાન જેવા મુદ્દાઓનો ઉલ્લખ છે.
ખેડૂતે પત્રમાં લખ્યું છે કે, 'હું આ પત્ર ખુબ જ ભારે મનથી લખી રહ્યો છું. કેમ કે તમે જાણો જ છો કે આ નવા કૃષિ કાયદાના કારણે જગતના તાત આ કડકડતી ઠંડીમાં દિલ્હીના રસ્તાઓ પર સૂવા માટે મજબૂર છે. 90-95 વર્ષના વૃદ્ધો, બાળકો, મહિલાઓ પણ આવી હાથ થીજવી દે તેવી ઠંડીમાં આંદોલન કરવા માટે મજબૂર થયા છે. ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. એટલે સુધી કે અનેક ખેડૂતો શહીદ થઈ રહ્યા છે. આ હાલાત આપણા બધા માટે ચિંતાનું કારણ છે.' ખેડૂતે આગળ લખ્યું છે કે 'દિલ્હીની સરહદો પર આ શાંતિપૂર્ણ આંદોલન ત્રણ કાયદાના કારણે થયું છે જે અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ પરિવારોના ઈશારે પાસ કરવામાં આવેલા છે.'
વધુમાં પત્રમાં તેમણે લખ્યું છે કે, 'આ પત્ર હું ખુબ જ આશા સાથે લખી રહ્યો છું. તમારા પુત્ર નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે. તે પસાર કરેલા કૃષિ કાયદાને રદ કરી શકે છે. મારું માનવું છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની માતાની વાત ટાળી શકે નહી. સમગ્ર દેશ તમારો આભાર માનશે. માત્ર એક માતા જ પોતાના પુત્રને આદેશ આપી શકે છે.'
નોંધનીય છે કે સંસદ દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર કર્યા બાદ દિલ્હી અને તેની આસપાસની સરહદ પર લગભગ બે મહિનાથી વિરોધ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, ખેડૂત સંગઠનોની સરકાર સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ તેમાંથી કોઈ સફળ રહ્યું નથી. આ બધા વચ્ચે 75થી વધુ પ્રદર્શનકારીઓએ આંદોલન દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા. જેમાંથી કેટલાકે આત્મહત્યા પણ કરી હતી.