News Continuous Bureau | Mumbai
Pench Tigress Relocation ભારતના વન્યજીવ સંરક્ષણના ઈતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું છે. દેશમાં પ્રથમ વખત કોઈ વાઘનું હેલિકોપ્ટર દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વ ની 3 વર્ષની વાઘણ ને ભારતીય વાયુસેના ના શક્તિશાળી MI-17 હેલિકોપ્ટર દ્વારા રાજસ્થાન મોકલવામાં આવી છે. આ ઓપરેશનપાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાનમાં વાઘના જીન પૂલ માં સુધારો કરવાનો છે.રાજસ્થાનમાં હાલમાં મોટાભાગના વાઘ એક જ જીન પૂલના છે, જેના કારણે આવનારી પેઢીઓના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. આ સમસ્યા દૂર કરવા માટે પેંચ ટાઈગર રિઝર્વમાંથી અલગ જીન પૂલ ધરાવતી વાઘણને પસંદ કરવામાં આવી હતી. આ મિશન માટે વન વિભાગ અને વાયુસેનાએ સંયુક્ત રીતે કામ કર્યું હતું, જેથી વાઘણને સુરક્ષિત રીતે નવા રહેઠાણ સુધી પહોંચાડી શકાય.
24 દિવસની જહેમત બાદ મળી સફળતા
આ ઓપરેશન 28 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે જંગલમાં 50 થી વધુ કેમેરા ગોઠવીને વાઘણ પર નજર રાખી હતી. શરૂઆતમાં 5 ડિસેમ્બરે વાઘણને બેભાનકરીને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યો હતો, પરંતુ બીજા જ દિવસે વાઘણે તે કાઢી નાખ્યો હતો. આ પડકાર બાદ ફરીથી ટ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું અને આખરે રવિવારે તેને સુરક્ષિત રીતે પકડીને હેલિકોપ્ટરમાં રવાના કરવામાં આવી.
મધ્યપ્રદેશના અધિકારીઓની ટુકડી રાજસ્થાન પહોંચી
વાઘણની આ મુસાફરી દરમિયાન તેની સુરક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મધ્યપ્રદેશથી એક વિશેષ ટીમપણ સાથે ગઈ છે. જેમાં મિશન લીડર IFS ગુરલીન કૌર અને પેંચના વેટરનરી ડોક્ટર સહિત 4 અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓ રાજસ્થાનના રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં વાઘણને છોડવા સુધીની તમામ પ્રક્રિયા પર દેખરેખ રાખશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Nagar Palika Election Results: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના સૂપડા સાફ: નગરપાલિકાની ચૂંટણીમાં MNS નું ખાતું પણ ન ખૂલ્યું, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી સિંગલ ડિજિટમાં સમેટાઈ.
રાજસ્થાનમાં વાઘોનો કુનબો વધશે
પેંચ ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર એ જણાવ્યું કે, આંતરરાજ્ય હવાઈ સ્થાનાંતરણની આ ઘટના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી છે. રાજસ્થાનમાં ‘ઇન-બ્રીડિંગ’ તણાવને દૂર કરવા માટે બીજા જીન પૂલના વાઘ મોકલવા જરૂરી હતા. આ નવી વાઘણ આવવાથી ત્યાંના વાઘ સ્વસ્થ થશે અને તેમનો વંશવેલો ઝડપથી વધશે તેવી આશા છે.
