ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દેશમાં પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) પહેલા દેશને હચમચાવી નાખવાના ષડયંત્ર સામે આવી રહ્યા છે. આજે દેશની રાજધાની દિલ્હી, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં IED મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે તેને ડિફ્યુઝ કરી દીધો છે. આ દરમિયાન બીજી બાજુ શ્રીનગરના ખ્વાજા બજારમાં પણ IED મળી આવ્યો હતો. આ ઉપરાંત પંજાબમાં આરડીએક્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. પોલીસ આ તમામ કેસોની તપાસ કરી રહી છે.
પાટનગર દિલ્હીના ગાઝીપુરમાં આવેલી એક ફૂલ મંડીમાં એક બીનવારસી બેગમાંથી IED મળી આવ્યો હતો. જેને લઈ લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બેગમાં બોમ્બ હોવાની બાતમી મળતાં જ જિલ્લા પોલીસ, સ્પેશિયલ સેલના અધિકારીઓ સાથે ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોમ્બને ડિફ્યુઝ કરવા માટે JCB વડે ખાડો ખોદવામાં આવ્યો હતો. બોમ્બ ખાડામાં મુકાયો અને પછી જોરદાર વિસ્ફોટ થયો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
બીજી તરફ શ્રીનગરમાં આવેલી એક બજારમાં પ્રેશર કુકર બોમ્બ મળી આવ્યો છે. પ્રેશર કૂકરની અંદર IED લગાવવામાં આવ્યું હતું. કુકર એક બોરીમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. આતંકવાદીઓના આ ષડયંત્રની જાણ થતાં જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું છે.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પંજાબમાં ઈન્ટરનેશનલ ઈન્ડો-પાક બોર્ડર પાસે આવેલા ધનોઆ કાલા ગામમાંથી આરડીએક્સનું મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓએ ચૂંટણી દરમિયાન બ્લાસ્ટ કરવા માટે RDX મોકલ્યું છે. આરડીએક્સ 5 કિલોથી વધુ હોવાનું કહેવાય છે.પોલીસ શકમંદોની પુછપરછ કરી રહી છે.
દેશના વિવિધ સ્થળોએથી મળી રહેલા IED વિસ્ફોટકોના સમાચાર વચ્ચે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં કોસરોંડા કેમ્પ પાસે IED બ્લાસ્ટ થયો હતો જેમાં 33 બટાલિયનનો એક SSB જવાન ઘાયલ થયો હતો. કાંકેરના એસપી શલભ સિન્હાએ આ જાણકારી આપી હતી. વિસ્ફોટ બાદ જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.