ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઓક્ટોબર, 2021
શનિવાર
પુષ્ય નક્ષત્ર પર એક જ દિવસમાં અમદાવાદમાં અંદાજિત 220 કિલો સોનાનો વેપાર થયો હતો. જે મુહૂર્તની ખરીદી અને એકંદરે ઉત્સાહિત માગને કારણે વધ્યો હતો.
જ્વેલર્સ એસોસિએશન ઑફ અમદાવાદ (JAA)ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે વેચાણ અસાધારણ રીતે સારું રહ્યું છે કારણકે ઘણા લોકોએ મોટી સંખ્યામાં સોનું ખરીદ્યું છે. પુષ્ય નક્ષત્રનું આવું મુહૂર્ત ઘણા વર્ષો પછી આવ્યું છે. અંદાજિત 60% ગ્રાહકોએ જ્વેલરી ખરીદી હતી. જ્યારે બાકીનાએ સિક્કા અને સોનાના બાર ખરીદ્યા હતા. ઘણા રોકાણકારોએ સોનામાં નાણાં રોકવા બુલિયનનું પ્રી-બુકીંગ કર્યું હતું. લોકોને કોરોનાના સમયગાળા દરમિયાન સંપત્તિ તરીકે સોનાનું મહત્વ સમજાયું છે.
સોના ઉપરાંત, સિક્કા, બાર અને હળવી ડિઝાઇનર જ્વેલરીની ખરીદીને લીધે ચાંદીની માગમાં તેજી રહી હતી. JAAના અંદાજ મુજબ ગત વર્ષે શહેરમાં 40 કિલો સોનાનો વેપાર થયો હતો. આ વર્ષે 450 ટકા વેચાણ વધ્યું છે. તેમાં પણ પુષ્ય નક્ષત્ર પરના મુહૂર્તમાં સહુથી વધુ વેચાણ થયું છે. તેમજ સુરતના જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદારોએ દાવો કર્યો હતો કે પુષ્ય નક્ષત્રના શુભ દિવસે શહેરના જ્વેલર્સે રૂ. 80-100 કરોડનો બિઝનેસ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેશે પૉપની મુલાકાત : જાણો કેમ ભાજપ માટે મહત્ત્વની છે આ મુલાકાત
તેમજ રાજકોટના ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના વાઇસ પ્રેસિડેન્ટ મયુર આડેસરાએ જણાવ્યું હતું કે "આ વર્ષે નાના ખરીદદારોની બે થી પાંચ ગ્રામ સુધીની માગ પણ વધી હતી. તમામ જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોનો ભારે ધસારો છે. ગયા વર્ષે કોવિડને લીધે ખૂબ જ નહિવત્ વેચાણ થયું હતું, પરંતુ જો અગાઉના વર્ષ સાથે સરખામણી કરીએ તો આ વર્ષે વેચાણમાં 60% વધારો થયો છે."
વડોદરામાં વેડિંગ જ્વેલરી ઉપરાંત, લાઇટવેઇટ ફંક્શનલ જ્વેલરીની ડિમાન્ડ હિટ રહી હતી. યુવા પેઢી ડિઝાઇન પર વધુ અને સોનાના કેરેટ મૂલ્ય પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી, 18- અને 22-કેરેટ સોનામાં ટ્રેન્ડી ડિઝાઈન ઉપરાંત રોઝ ગોલ્ડ જ્વેલરી અને ડાયમંડ તેમજ સિલ્વર જ્વેલરીનું વેચાણ સારું રહ્યું, તેવું શહેર સ્થિત જ્વેલર આશિષ ઝવેરીએ જણાવ્યું હતું.