ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
દેશમાં કોલસાની અછતને કારણે વીજળી સંકટની શક્યતા વર્તાઈ રહી છે. એવામાં સારા સમાચાર સાંભળવા મળ્યા છે. દેશમાં રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ રહ્યું છે, જેમાં પવન અને સોલાર વીજળીની મુખ્ય ભૂમિકા છે.
ભારતમાં વીજળી ઉત્પાદન વર્ષોથી પડકારજનક કામ રહ્યું છે. જોકે ગત કેટલાંક વર્ષોમાં ભારતે આ દિશામાં સારી પ્રગતિ કરી છે. એક અહેવાલ મુજબ ભારતમાં છાપરા ઉપર બેસાડવામાં આવતી સૌર ઊર્જા પરિયોજનાનો ખર્ચ સૌથી ઓછો છે. દેશમાં 66 ડૉલર પ્રતિ મેગાવૉટ દર કલાકનો ખર્ચ છે. જ્યારે કે ચીનમાં સૌર ઊર્જામાંથી 68 ડૉલર પ્રતિ મેગાવૉટ દર કલાકનો ખર્ચ છે. જ્યારે અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં આ ખર્ચ ચાર ગણો વધારે છે.
એક વૈશ્વિક અભ્યાસમાં કહેવાયું છે કે ઓછા ખર્ચને લીધે ઘર અને કૉમર્શિયલ તેમ જ ઔદ્યોગિક ઇમારતોમાં વપરાતા સોલાર પૅનલ વર્તમાનમાં સૌથી ઝડપી ઊર્જા ઉત્પાદનની ટેક્નોલૉજી છે.
અન્ય એક અહેવાલ મુજબ ભારતે વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનવાળો દેશ બનવા માટે પોતાની સૌર ઊર્જા ક્ષમતાને વધારીને 5630 ગીગાવૉટ કરવી પડશે. ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ દ્વારા રજૂ કરાયેલા એક રિપૉર્ટમાં જણાવ્યું છે કે હાલમાં ભારતમાં 100 ગીગાવૉટ સ્થાપિત અખૂટ ઊર્જાની ક્ષમતા છે. જેમાંથી સૌર ક્ષમતા 40 ગીગાવૉટ છે. સરકારે 2030 સુધી પોતાની કુલ અખૂટ ઊર્જા ક્ષમતાને 450 ગીગાવૉટ સુધી વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં વર્ષ 2022 સુધી 40 ટકા ટાર્ગેટ પૂરો થશે.