ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
દેશના 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 1380 પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના 23 જવાનો પણ સામેલ છે.
આ પૈકીના 20 જવાનો ગયા વર્ષે ગલવાન ખીણમાં ચીની સેના સાથે થયેલા સંઘર્ષમાં સામેલ હતા. ચીનને ધૂળ ચટાવનારા આ જવાનોને વીરતા પદક આપવામાં આવનાર છે.
આઈટીબીપીનુ કહેવુ છે કે, જવાનોને બહાદુરી માટે અત્યાર સુધીમાં અપાયેલા આ સૌથી વધારે વીરતા પદક છે.
ગત 15-16 જૂન,2020ની રાતે ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.
જોકે તેની સામે ભારતીય જવાનોએ ચીનને યાદ રહી જાય તેવો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ જવાનોમાં આટીબીપીના જવાનો પણ સામેલ હતા.
વીરતા માટે 628 મેડલ, વિશિષ્ટ સેવા માટે 88 મેડલ અને પ્રશંસનીય સેવા માટે 662 પોલીસ મેડલ આપવામાં આવશે.
આ પૈકી સૌથી વધારે 256 મેડલ જમ્મુ કાશ્મીર પોલીસના ફાળે ગયા છે, સીઆરપીએફને 151, આઈટીબીપીને 23, ઓરિસ્સા પોલીસને 67, મહારાષ્ટ્ર પોલીસને 25 અને છત્તીસગઢ પોલીસને 20 મેડલ આપવામાં આવનાર છે.