ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુન 2020
પૂર્વી લદ્દાખની સરહદ પર લગભગ એક મહિનાથી ચાલતા ડેડલોકને ઉકેલવા ભારત અને ચીની સેના વચ્ચે લેફ્ટનન્ટ જનરલ કક્ષાની વાટાઘાટો શનિવારે યોજાઇ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ ખાતે 14 મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ કરી રહ્યા હતા, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ લશ્કરી જિલ્લા કમાન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સૈન્યમાં સ્થાનિક કમાન્ડરોના સ્તરે 12 રાઉન્ડની વાતચીત અને મેજર જનરલ રેન્કના અધિકારીઓ વચ્ચે 3 રાઉન્ડની વાતચીત બાદ પણ શનિવારે લેફ્ટનન્ટ જનરલ કક્ષાએ કોઈ સારૂ પરિણામ મળ્યું નથી.
થયેલી વાતચીત વિશે હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો આપ્યા વિના ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું, કે "ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્ય અધિકરી અને રાજદ્વારી દ્વારા ભારત અને ચીનના અધિકારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેશે, એવું નક્કી થયું છે"
અગાઉ સૂત્રોએ કહ્યું હતું કે, ભારત પૂર્વી લદ્દાખમાં પૂર્વી ગાલવાન ખીણ, પેંગોંગ અને ગોગરામાં પોતાની માંગ યથાવત્ રાખશે અને આ વિસ્તારમાં ચીની સૈન્યની મોટી સંખ્યાનો પણ વિરોધ કરશે. જ્યારે ચીન ભારત સરહદની બાજુમાં કરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો વિરોધ પણ કરશે નહીં એવું કહેવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપગ્રહની તસવીરો દર્શાવે છે કે ચીને પેંગોંગ સો વિસ્તારથી 180 કિલોમીટર દૂર લશ્કરી વિમાનમથકને અપગ્રેડ કરવા સહિત વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં લશ્કરી માળખાગત સુવિધામાં નોંધપાત્ર વધારો કર્યો છે..