ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
દેશમાં કોરોના વાયરસનું ફરી સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે, સતત ત્રીજા દિવસે, સક્રિય કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 838 કેસ નોંધાયા છે અને 113 લોકોના મોત થયા છે.હાલ દેશમાં 1,76,319 કોરોનાના એક્ટિવ કેસ છે આ રીતે, સક્રિય કેસમાં 2,921 નો વધારો થયો છે. અગાઉ બુધવારે 3,260 અને મંગળવારે 1,781 સક્રિય કેસમાં વધારો થયો હતો.
દેશમાં કેટલાક રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 85 ટકા કેસ આ 6 રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સતત સંપર્કમાં છે જ્યાં સતત સંક્રમણ વધી રહ્યું છે. કેરળના 9 જિલ્લામાં, તમિલનાડુના 7, અને પંજાબ ગુજરાતના 6-6 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
જો આંકડા પર નજર નાખીએ તો દેશના 180 થી વધુ જિલ્લાઓમાં ફરીથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, દેશમા એવા 34 જિલ્લાઓ પણ છે જ્યાં છેલ્લા 10 દિવસની અંદર દર્દીઓ મળવાની ગતિ સીધી બમણી થઈ ગઈ છે. જેમાં મહારાષ્ટ્રના મહત્તમ 6 જિલ્લા, પંજાબના 5, કેરળ અને ગુજરાતના 4-4 અને મધ્યપ્રદેશના 3 જિલ્લાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1 કરોડ 11 લાખ 73 હજારથી વધુ લોકોને અસર થઈ છે. તેમાંથી 1 કરોડ 8 લાખ 38 હજાર લોકો સ્વસ્થ છે, જ્યારે 1 લાખ 57 હજાર 584 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યારે 1 લાખ 73 હજાર 364 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.