ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 સપ્ટેમ્બર 2020
ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનો આજે 88 મો જન્મદિવસ છે. દેશની દિગ્ગજ હસ્તિઓ ડો. મનમોહન સિંહને શુભેચ્છાઓ પાઠવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારાના નેતા ગણાતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે, ભારતને આજે એક એવા વડાપ્રધાનની ખોટ અનુભવી રહ્યો છે, જેમાં મનમોહન સિંહ જેવી સમજદારી હોય. તેમની ઈમાનદારી, શાલીનતા અને સમર્પણ આપણા બધા લોકો માટે પ્રેરણાના સ્ત્રોત સમાન છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તેમનું આવનારું વર્ષ ખૂબ જ સુંદર હોય. મનમોહન સિંહ વર્ષથી 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની હસ્તિઓએ ડોક્ટર મનમોહન સિંહને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મ ભારતના ભાગલા થયાં તે અગાઉ પાકિસ્તાનના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો. તેમણે પંજાબ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સાથે જ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ઉપાધી મેળવી છે. તેઓ એક સમયે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં. બહુ ઓછાં લોકોને જાણ છે કે રાજનીતિમાં આવતાં પહેલાં મનમોહન સિંહ કોલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક રહી ચૂક્યાં છે.
