ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
દેશમાં મહામારી કોરોનાની ગતિ વધી રહી છે. તેની સાથે સાથે દેશમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 8,961 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. આ સાથે મહામારીનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈ કાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.
જો કે, ચિંતાજનક વાત એ છે કે દેશમાં ગઈ કાલ કરતાં 44,952 વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોના વાયરસના 2,38,018 કેસ નોંધાયા હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ માહિતી આપી છે કે, ગઈ કાલે ભારતમાં કોરોના માટે 18 લાખ 69 હજાર 642 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગઈ કાલ સુધીમાં કુલ 70 કરોડ 74 લાખ 21 હજાર 650 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.