News Continuous Bureau | Mumbai
India એક અહેવાલ મુજબ, ભારત સપ્ટેમ્બરમાં રશિયન તેલની આયાતમાં વધારો કરવા માટે તૈયાર છે. આયાતમાં વધારો ઓગસ્ટના સ્તરની સરખામણીમાં ૧૦-૨૦% જેટલો થઈ શકે છે, તેમ વેપારીઓએ જણાવ્યું છે. યુક્રેનના ડ્રોન હુમલાને કારણે રશિયાની અનેક રિફાઇનરીઓને નુકસાન થતા તેની પ્રોસેસિંગ ક્ષમતા ઘટી છે, જેના કારણે રશિયન નિકાસકારો વધુ ક્રૂડ વેચવા માટે ભાવમાં ઘટાડો કરી રહ્યા છે.
ભાવમાં ઘટાડાને કારણે આયાત વધશે
વેપારીઓના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરના શિપમેન્ટ માટે રશિયાના યુરલ્સ ક્રૂડનું વેચાણ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ કરતા પ્રતિ બેરલ ૨-૩ ડોલરના ભાવઘટાડા પર થઈ રહ્યું છે. આ ઘટાડો ઓગસ્ટના ૧.૫૦ ડોલરના ઘટાડા કરતા વધુ છે, જે ૨૦૨૨ પછીનું સૌથી ઓછું હતું. તેલના આકર્ષક ભાવને કારણે રિલાયન્સ અને નાયરા એનર્જી જેવી રિફાઇનરીઓ દ્વારા ખરીદી વધવાની અપેક્ષા છે. જોકે બંને કંપનીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
અમેરિકાના દબાણ સામે ભારતનું વલણ
૨૦૨૨માં પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયાને પુરવઠો રીડાયરેક્ટ કરવાની ફરજ પડી ત્યારથી ભારત રશિયા નો સૌથી મોટો તેલ ગ્રાહક બન્યો છે. સસ્તા રશિયન તેલથી ભારતીય રિફાઇનરીઓને ખર્ચ ઓછો રાખવામાં મદદ મળી છે, પરંતુ આ વેપાર ની આલોચના પણ થઈ છે. આ સપ્તાહે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે મોસ્કો સાથે ભારતના ઉર્જા સંબંધોના જવાબમાં કપડાં અને દાગીના જેવી ભારતીય નિકાસો પર ટેરિફ ૫૦ ટકા સુધી વધારી દીધો છે. આ મામલે ભારતીય અધિકારીઓએ અમેરિકાના વલણનો પ્રતિકાર કરતા કહ્યું કે પશ્ચિમી દેશો પણ રશિયા સાથે અન્ય ક્ષેત્રોમાં વેપાર ચાલુ રાખે છે.
આ સમાચાર પણ વાંચો : Govinda: ગોવિંદા અને સુનિતા ના છૂટાછેડા ના સમાચાર પર મુકાયું પૂર્ણવિરામ, ગણેશ વિસર્જન દરમિયાન કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ
ભારત માટે રશિયા સૌથી મોટો તેલ સપ્લાયર
ઉદ્યોગના ડેટા અનુસાર, ઓગસ્ટના પહેલા ૨૦ દિવસમાં ભારતે રશિયાથી દરરોજ લગભગ ૧.૫ મિલિયન બેરલ ક્રૂડની આયાત કરી. આ આયાત જુલાઈની સરખામણીમાં સ્થિર છે, જોકે જાન્યુઆરી-જૂન મહિનાની સરેરાશ કરતા થોડી ઓછી છે. રશિયાનું તેલ હવે ભારતની કુલ જરૂરિયાતોના લગભગ ૪૦% હિસ્સો ધરાવે છે, જે તેને દેશનું સૌથી મોટું સિંગલ સપ્લાયર બનાવે છે. વિશ્લેષકોનું માનવું છે કે જ્યાં સુધી વૈશ્વિક પ્રતિબંધ લાગુ ન થાય ત્યાં સુધી ભારત રશિયન તેલની ખરીદી ચાલુ રાખશે.