ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
સ્વચ્છ ભારત પહેલ વ્યાપકપણે પ્રસિદ્ધ થતી જોવા મળી હોવા છતાં પાન-ગુટખા ખાઈને જાહેરમાં થૂંકનારા કેટલાક લોકોની આદત સુધરી નથી. તેમને કદાચ ખ્યાલ નથી કે તેઓ થૂંકીને કેટલું નુકસાન કરી રહ્યા છે. જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય રેલવે માત્ર 'ગુટખાના ડાઘ' સાફ કરવા માટે દર વર્ષે લગભગ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.
કોવિડ -19 માર્ગદર્શિકામાં વ્યક્તિગત સ્વચ્છતા અને આસપાસની સ્વચ્છતા જાળવવા પર ભાર મુકાયો છે. છતાં આદતથી મજબૂર લોકો સુધરતા નથી અને ગુટખા ખાઈને જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે. રેલવે પરિસરમાં બધી જગ્યાએ ગુટખાના ડાઘ પડેલા હોય છે.
જોકે હવે રેલવેએ આવા લોકો સાથે વ્યવહાર કરવા માટે એક નવો ઉકેલ શોધી કાઢ્યો છે. સ્ટેશન પરિસરમાં સ્પિટર કિઓસ્ક સ્થાપિત કરવાની યોજના છે.
રેલવે દેશભરનાં 42 સ્ટેશનોમાં આવા કિઓસ્ક સ્થાપિત કરવા જઈ રહી છે. આ કિઓસ્કમાં થૂંકવા માટેના પાઉચનો સંગ્રહ કરવામાં આવશે. જેની કિંમત 5થી 10 રૂપિયા હશે. આ પાઉચને સરળતાથી ખિસ્સામાં રાખી શકાશે. જેનો 15થી 20 વાર ઉપયોગ કરી શકાશે. આ બાયોડિગ્રેડેબલ પાઉચ થૂંકને ઠોસ પદાર્થમાં ફેરવી દેશે. એક વખત પૂર્ણ રીતે ઉપયોગ કર્યા બાદ પાઉચને માટીમાં નાખી દેવાથી સરળતાથી એનું વિઘટન થઈ જશે.
રેલવેને આશા છે કે લોકો થૂંકવા માટે આ પાઉચનો ઉપયોગ કરશે. જે રેલવેના ડાઘ-સફાઈ ખર્ચને ઘટાડવામાં મદદ કરશે અને રેલવે પરિસરમાં સ્વચ્છતા પણ જળવાઇ રહેશે.