News Continuous Bureau | Mumbai
Train Ticket રેલવે મંત્રાલયે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મુસાફરો જ્યારે RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ એટલે કે જનરલ ટિકિટ બુક કરશે, ત્યારે તેમને ટિકિટના દર પર 3 ટકાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે. આ ખાસ ઓફર 14 જાન્યુઆરી 2026 થી 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે. રેલવેના આ પગલાથી સ્ટેશનો પર ટિકિટ બારીઓ પર લાગતી લાંબી લાઈનો ઘટશે અને મુસાફરોને સસ્તી મુસાફરીનો લાભ મળશે.
14 જાન્યુઆરીથી સોફ્ટવેરમાં ફેરફાર
રેલવે મંત્રાલયે ‘સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ’ (CRIS) ને સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરવા સૂચના આપી દીધી છે. 14 જાન્યુઆરીથી મુસાફરો જ્યારે પણ એપ પર ટિકિટ બુક કરશે, ત્યારે સિસ્ટમ ઓટોમેટિકલી 3% રકમ ઓછી કરી દેશે. આ ઓફર ટૂંકા અંતરના મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
હવે તમામ ડિજિટલ મોડ પર મળશે છૂટ
અત્યાર સુધી RailOne એપ પર માત્ર આર-વોલેટ (R-Wallet) થી પેમેન્ટ કરવા પર જ કેશબેક મળતું હતું. પરંતુ હવે રેલવેએ વ્યાપ વધારતા જણાવ્યું છે કે, મુસાફરો UPI, ડેબિટ કાર્ડ કે અન્ય કોઈ પણ ઓનલાઇન માધ્યમ થી પેમેન્ટ કરશે તો પણ તેમને 3 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આર-વોલેટમાં મળતું કેશબેક પણ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Indore: દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ઝેરી પાણીનો કહેર: ૮ લોકોના મોતના દાવાથી ફફડાટ, અધધ આટલા લોકો થયા હોસ્પિટલમાં દાખલ.
RailOne એપના ફાયદા
RailOne એપ દ્વારા મુસાફરો મોબાઈલથી જ જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સીઝન ટિકિટ (MST) બુક કરી શકે છે. આ સુવિધાથી સ્ટેશન પર પહોંચીને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. રેલવે આ એપને સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવી રહી છે, જેથી મુસાફરોને એક જ જગ્યાએ તમામ સેવાઓ મળી રહે.
