ન્યુઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
સામાન્ય મુસાફરોને રિઝર્વેશનમાં વેઇટિંગ લિસ્ટની ટિકિટમાંથી જલ્દી જ મુક્તિ મળી જશે. ભારતીય રેલ્વેએ લોકડાઉન બાદ શરૂ થયેલી 230 જેટલી રેગ્યુલર ટ્રેનો ઉપરાંત 80 જેટલી વધુ વિશેષ ટ્રેનો ચલાવશે. આ ઉપરાંત, રેલ્વેએ મુસાફરોની અવરજવર વધારે હોય એવાં રૂટ પર વધુ વેઇટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરોને રાહત આપવાની યોજના જાહેર કરી છે. રેલવે દ્વારા આ યોજનાને 'ક્લોન ટ્રેન' યોજના નામ આપવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ, ભારતીય રેલ્વે આગામી 15 દિવસમાં આ 'ક્લોન ટ્રેનો'ને તબક્કાવાર રીતે શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તે અંગે એક જાહેરનામું જલ્દી જ બહાર પડાશે. આ સંદર્ભમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે હતું કે 'જ્યાં જ્યાં કોઈ વિશિષ્ટ ટ્રેનની માંગ હોય, જ્યાંનું વેઇટિંગ લિસ્ટ લાંબુ હોય ત્યાં મુસાફરીની સુવિધા માટે રેલ્વે વાસ્તવિક ટ્રેનની આગળ એક ક્લોન ટ્રેન ચલાવશે.'
# ક્લોન ટ્રેન યોજના વિશે જાણવા જેવી માહિતી —
• ક્લોન ટ્રેન વાસ્તવિક ટ્રેનના વિકલ્પ તરીકે ચાલશે, અને તેમાં મૂળ ટ્રેન જેટલી જ સીટ સંખ્યા હશે. ઉપરાંત, ક્લોન ટ્રેનોમાં ફક્ત વેઇટ લિસ્ટેડ મુસાફરોને જ સમાવવામાં આવશે.
• મૂળ સૂચિબદ્ધ ટ્રેનોના આરક્ષણ ચાર્ટ્સ સમાપ્ત થયા પછી, એટલે કે પ્રસ્થાનના ચાર કલાક પહેલા ક્લોન ટ્રેનમાં વિશે વેઇટલિસ્ટમાં રહેલા લોકોને જાણ કરવામાં આવશે.
• આ ક્લોન ટ્રેનો ચલાવવી રેલ્વે માટે એક પડકાર રૂપ હશે, કેમ કે તેને દોડવવા માટે વધારાના રેકની જરૂર પડશે. આથી રેલ્વે શરૂઆતમાં મોટા શહેરો માટે જ આ ટ્રેનો ચલાવશે જ્યાં વધારાના રેક હોય.
• તાજેતરના અહેવાલો મુજબ, ક્લોન ટ્રેનો મુખ્યત્વે 3 એસી ટ્રેનો હશે, જે પહેલેથી કાર્યરત વિશેષ ટ્રેનોની આગળ દોડશે.
• આ યોજના વિકલ્પ યોજના જેવી છે, જેમાં વેઇટલિસ્ટમાં રહેલા લોકોને તે જ રૂટ પરની બીજી ટ્રેનમાં બેસાડવામાં આવશે. જો કે, વિકલ્પ યોજનામાં, વેઇટલિસ્ટેડ મુસાફરોને મૂળ બોર્ડિંગ અને ડેસ્ટિનેશન સ્ટેશનને બદલે નજીકના બોર્ડિંગ અને ડેસ્ટિનેશન સ્ટેશન ફાળવવામાં આવી શકે છે.
