News Continuous Bureau | Mumbai
Indian Railways 52 ભારતીય રેલવે હવે આધુનિકતાના નવા ટ્રેક પર દોડવા માટે તૈયાર છે. નવી દિલ્હી સ્થિત રેલ ભવનમાં મળેલી બેઠકમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછો એક મોટો સુધારો જમીન પર ઉતારવામાં આવે. આ મહત્વાકાંક્ષી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષા, અત્યાધુનિક ટેકનોલોજી અને ખાણી-પીણીની શ્રેષ્ઠ સુવિધાઓ છે.
સુરક્ષા: 90% ઘટાડા પછી હવે ‘સિંગલ ડિજિટ’નો ટાર્ગેટ
રેલવેએ સુરક્ષાના મોરચે છેલ્લા દાયકામાં મોટી સફળતા હાંસલ કરી છે. આંકડા મુજબ, જ્યાં 2014-15માં 135 ગંભીર ટ્રેન અકસ્માતો થયા હતા, ત્યાં 2025-26માં આ સંખ્યા ઘટીને માત્ર 11 રહી ગઈ છે. હવે રેલ મંત્રાલયનો લક્ષ્યાંક આ અકસ્માતોને સિંગલ ડિજિટ (એકમ અંક) એટલે કે શૂન્યની નજીક લાવવાનો છે. આ માટે ‘કવચ’ સિસ્ટમ અને અન્ય ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં આવશે.
AI અને સ્માર્ટ મેન્ટેનન્સનો ઉપયોગ વધશે
રેલવેના સંચાલન અને જાળવણીને વધુ સારી બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો મોટા પાયે ઉપયોગ થશે. ‘પ્રેડિક્ટિવ સેફ્ટી’ દ્વારા અકસ્માતો થાય તે પહેલાં જ તેને રોકવાની ટેકનોલોજી વિકસાવવામાં આવશે. સ્માર્ટ મેન્ટેનન્સ અને ડિજિટલ ઓપરેશન્સ દ્વારા ટ્રેનોના મોડા પડવાના કિસ્સા ઘટાડવા અને સમારકામની કામગીરી ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
ટ્રેનની થાળી અને કેટરિંગ સેવામાં મોટો ફેરફાર
મુસાફરોની સૌથી મોટી ફરિયાદ ખાણી-પીણી (Catering) ને લઈને હોય છે. રેલવે હવે તેની ઓનબોર્ડ સેવાઓમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને સર્વિસના ધોરણોને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવામાં આવશે. મુસાફરોને તાજો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે નવી કેટરિંગ પોલિસી હેઠળ સુધારા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
દર અઠવાડિયે એક નવો સુધારો
રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, આ 52 સુધારા માત્ર કાગળ પર નહીં હોય. દર ગુરુવારે યોજાનારી સમીક્ષા બેઠકોના આધારે દર અઠવાડિયે એક નવો ફેરફાર લાગુ કરવામાં આવશે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને રેલવે કર્મચારીઓના કૌશલ્ય વિકાસ (Skill Development) સુધી બધું જ સામેલ છે. રેલ મંત્રાલયનું કહેવું છે કે મુસાફરોને દરેક મુસાફરીમાં આ સુધારાની સીધી અસર જોવા મળશે.