ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
દાર્જિલિંગ દુનિયાભરમાં જે વસ્તુઓ માટે પ્રખ્યાત છે તેમાંથી એક છે દાર્જિલિંગ ટી. દાર્જિલિંગ ચાથી વિપરીત, વિશ્વના કોઈપણ ખૂણામાં સુગંધિત ચા જોવા મળતી નથી. એમ કહેવામાં આવે કે આખી દુનિયાને દાર્જિલિંગ ચાની લત છે તો ખોટું નહીં હોય, પરંતુ તાજેતરના વર્ષોમાં તેના પર ગ્રહણ લાગ્યું છે. દાર્જિલિંગ ચાની ગુણવત્તા ભેળસેળથી બગડી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાંથી વિશ્વ બજારમાં ચાની નિકાસ ઘટી છે. જો દાર્જિલિંગ ચાની વાત કરીએ તો તેના નામે બજારમાં કંઈ પણ વેચાઈ રહ્યું છે.
કેન્યાની સસ્તી ચાની ભારતીય ચામાં મિલાવટ સામે ટી બોર્ડે આંખો લાલ કરી છે.
કેન્યાની સસ્તી ચાનું ભારતીય પ્રીમિયમ ક્વોલિટીની ચામાં મિલાવટ સામે ભારતીય ટી બોર્ડ કડક બન્યું છે. આવી ગેરકાયદે મિલાવટ સામે ઠોસ પગલાં લેવાની પણ જાહેરાત કરી છે. કેન્યાની ચાની ભારત દેશમાં મોટા પાયે આયાત થાય છે અને ભારતીય આયાતકારો એને પુનઃ નિકાસ કરવાને બદલે ભારતીય આસામ ઓર્થોડોક્સ, નિલગિરી ઓર્થોડોક્સ અને દાર્જિલિંગ ચાની અંદર ગેરકાયદે ભેળસેળ કરીને પછી વેચાણ કરે છે. જેને પગલે ચાના સરેરાશ ભાવ નીચા આવી જાય છે. આવી ગેરકાયદે મિલાવટને પગલે ભારતીય ચાની ક્વોલિટીને ફટકો પડે છે. એવી ચિંતા ભારતીય ટી બોર્ડ દ્વારા વ્યક્ત થઈ છે. ખાસ કરીને વિશ્વ બજારમાં ભારતીય ચાની એક ઓળખ છે.
ઉપરોક્ત તમામ ચાને જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન મળ્યું છે અને નિયમ પ્રમાણે આ બધી ચા માં બીજી ચાનું મિશ્રણ કરી શકાતું નથી પરિણામે ભારતીય ટી બોર્ડે એક પરિપત્ર બહાર પાડીને તમામ ચાના સ્ટોકિસ્ટોને જેટલી ચાની આયાત થાય એની ક્વોલિટી અને જથ્થાની માહિતી ટી બોર્ડની ઓફિસે પહોંચતી કરવાની સૂચના આપી છે.
કેન્યામાં ચાનો પાક બહુ મોટા પ્રમાણમાં થયો હોવાથી દેશમાં ચાની આયાત ગત વર્ષની તુલનાએ 146 ટકા જેવી વધી છે. નેપાલથી પણ ચાની આયાતમાં 28 ટકાનો વધારો થયો. ચાલુ વર્ષના પહેલા આઠ મહિના એટલે કે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના દરમિયાન થયો છે.
ભારતીય ચાના ભાવમાં ગત જૂન મહિનાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં ચાના ઉત્પાદન અને ભાવ વચ્ચે સંતુલન જળવાઈ રહે એ જરૂરી છે કે ચાના ઉત્પાદકોને હાલ ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થવાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાના ભાવ ઘટી જાય તો ઉદ્યોગકારોને મોટી નુકસાની સહન કરવી પડે એમ છે.