ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારત પોતાનું પહેલું સેટેલાઇટ અને ન્યુક્લિયર મિસાઇલ ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતું જહાજ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહ્યું છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન તેમજ નેશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની મદદથી હિન્દુસ્તાન શિપયાર્ડમાં બનેલા જહાજ આઈએનએસ ધ્રુવનુ લોન્ચિંગ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોભાલના હસ્તે થાય તેવી શક્યતા છે.
ન્યૂક્લિયર મિસાઈલ ટ્રેકિંગ શિપનુ સંચાલન ભારતીય નૌસેનાના જવાનો તેમજ અધિકારીઓ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ સાથે મળીને કરશે.
આ પ્રકારના જહાજો હાલમાં ફ્રાંસ, અમેરિકા, બ્રિટન, રશિયા અને ચીન પાસે જ છે. હવે ભારત પણ આ ક્લબમાં સામેલ થવા જઈ રહ્યુ છે.
ભારતના કટ્ટર હરીફ એવા પાકિસ્તાન અને ચીન પાસે અલગ અલગ પ્રકારની ન્યુક્લિયર મિસાઈલ્સ છે ત્યારે જો કોઈ દુશ્મન દેશ ભારત પર મિસાઈલ લોન્ચ કરશે તો આ જહાજ તેને ટ્રેક કરવાનુ કામ કરશે. જેનાથી ભારતની ક્ષમતામાં વધારો થશે.
આ જહાજને અત્યાધુનિક રડારોથી સજ્જ કરવામાં આવ્યુ છે. જેનાથી તે ભારત પર નજર રાખી રહેલા જાસૂસી સેટલાઈટ્સને પણ ટ્રેક કરી શકશે. તે દરિયાની અંદર પણ મેપિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.