ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
ભારતીય સેના પ્રમુખ એમએમ નરવણે આજે વિશાખાપટ્ટનમમાં ભારતીય નેવીના સ્ટીલ્થ ફાયટર વોરશિપ ‘આઈએનએસ કાવારત્તી' ને સોંપશે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.આ યુદ્ધ જહાજને ભારતીય નૌસેના ના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇન (ડીએનડી) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે.
યુદ્ધ જહાજ ‘આઈએનએસ કાવારત્તી' ના નૌસેનામાં સામેલ થવા પર અધિકારીઓનું કહેવું છે કે આ અત્યાધુનિક હથિયાર પ્રણાલી છે અને તેમાં એવા સેંસર લાગેલા છે, જે સબમરીનની ઓળખ કરવા અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. સબમરીન વિરોધી યુદ્ધ ઉપરાંત, આ જહાજ એક વિશ્વસનીય આત્મ-સંરક્ષણ ક્ષમતાથી પણ સજ્જ છે અને લાંબા અંતરની કામગીરી માટે એક ઉત્તમ શક્તિ પણ છે. આ પ્રોજેક્ટ-28 હેઠળ સ્વદેશમાં નિર્મિત ચાર સબમરીન રોધી જંગી સ્ટીલ્થ જહાજ પૈકીનું અંતિમ જહાજ છે. નોંધનીય છે કે આ પહેલા ત્રણ યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપવામાં આવી ચૂક્યા છે.
જાણો ‘આઈએનએસ કાવારત્તી' ની ખાસિયતો
# આ યુદ્ધ જહાજમાં 90 ટકા ઉપકરણો ભારતીય છે.
# તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય જહાજના નિર્માણના ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે.
# આઈએનએસ કાવારત્તીની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.
# સબમરીન રોધી ક્ષમતા ઉપરાંત, જહાજને એક વિશ્વસનીય સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવી છે અને તે લાંબા અંતરના અભિયાનો માટે સારી મજબૂતી પણ ધરાવે છે.