ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ આ વર્ષના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બરથી તેનું થ્રેડ્સ ફીચર બંધ કરવા જઈ રહ્યું છે. આ ફીચર વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ વર્ષ 2019માં ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્નેપચેટ જેવી મેસેજિંગ એપ થ્રેડ લોન્ચ કરી હતી. આવતા સપ્તાહથી યુઝર્સને આ એપ બંધ થવાની સૂચના મળવાનું શરૂ થઈ જશે. આ સાથે ઇન્સ્ટાગ્રામ અન્ય કેટલાક ફીચર રજૂ કરશે. જેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામના યુઝર્સને ફીડ સ્ટોરીમાં સંગીત ઉમેરવાનું ફીચર મળશે.
એક મીડિયા અહેવાલ અનુસાર ઈન્સ્ટાગ્રામનું થ્રેડ ડિસેમ્બરના અંતમાં બંધ થશે. 23 નવેમ્બરથી યુઝર્સને તેની સૂચના મળવાનું શરૂ થઈ જશે. ઈન્સ્ટાગ્રામએ ઓક્ટોબર 2019માં Android અને iOS બંને વપરાશકર્તાઓ માટે થ્રેડ રજૂ કર્યું હતું. થ્રેડમાં યુઝર્સને નજીકના મિત્રો સાથે વિઝ્યુઅલી ફોટો કે વીડિયો શેર કરવાની સુવિધા મળે છે. જોકે હજુ સુધી કંપનીએ તેના બંધ થવા પાછળનું કારણ જણાવ્યું નથી.
નવું ફીચર
ઈન્સ્ટાગ્રામ ફીડ સ્ટોરીમાં મ્યુઝિક ઉમેરતું ફીચર ભારત સહિત બ્રાઝિલ અને તુર્કીમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જો તમારા એકાઉન્ટમાં મ્યુઝિક ફીચર લાઈવ થઈ ગયું હોય, તો તમે Add Musicના બટન પર ક્લિક કરીને મ્યુઝિક એડ કરી શકશો. મ્યુઝિક લાઇબ્રેરીમાં તમને સંગીત માટે ઘણા વિકલ્પો મળશે.
કંપનીના સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નવારાએ આગામી ઈન્સ્ટાગ્રામ ફીચરના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને લખ્યું કે ઈન્સ્ટાગ્રામ હવે વપરાશકર્તાઓની ઓળખ ચકાસવા માટે વીડિયો સેલ્ફીનો ઉપયોગ કરી રહ્યું છે. મેટા બાયોમેટ્રિક ડેટા એકત્રિત નહીં કરવાનું વચન આપે છે.