News Continuous Bureau | Mumbai
International Day of Families 2025 :
- વેક્સિન મૈત્રીથી લઈને જી-20 સમીટના આયોજનમાં વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો
- દરેક નાગરિકના કુટુંબના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ભારત અને ગુજરાત સરકારની પરિવાર કલ્યાણ યોજનાઓ
- વિશ્વ પરિવાર દિવસની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારની કર્મયોગી પરિવારોને આરોગ્ય સુરક્ષાની અમૂલ્ય ભેટ: ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના’
ખાસ લેખ
– ઉમંગ બારોટ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ
માનવ સભ્યતાના ઉષાકાળથી કુટુંબ એક એવી અવિચળ સંસ્થા રહી છે, જેણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી છે. તે માત્ર જૈવિક સંબંધોનું માળખું નથી, પરંતુ સંસ્કૃતિ, મૂલ્યો, જ્ઞાન અને ભાવનાત્મક સુરક્ષાનું પ્રથમ પારણું છે. સંસ્કાર, મૂલ્યો અને પરંપરાઓનું સિંચન કુટુંબમાં જ થાય છે, જે એક મજબૂત ચારિત્ર્ય અને તે દ્વારા એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થાય છે.
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના વૈશ્વિક મહત્ત્વ અને તેના ઉદ્દેશ્યોથી માંડીને, ભારતીય શાસ્ત્રોમાં કુટુંબની ગહન દાર્શનિક વિભાવના, ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતની ભારતની વૈશ્વિક નીતિમાં વ્યાપકતા, અને ભારત અને ગુજરાત સરકારની પરિવાર કલ્યાણ યોજનાઓના દૂરગામી પ્રભાવ પણ સર્વવિદિત છે.
દર વર્ષે ૧૫ મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families) ઊજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૯૩માં આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ પરિવારોને લગતા મુદ્દાઓ પર વૈશ્વિક જાગૃતિ લાવવાનો અને તેમને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક બાબતો અંગેના જ્ઞાનને ફેલાવવાનો છે.
કુટુંબ એ સફળ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો અચલ પાયો છે. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને શક્તિ તેના નાગરિકોના ચારિત્ર્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે, અને આ ત્રણેય પાસાંઓનું ઘડતર મુખ્યત્વે કુટુંબમાં થાય છે. કુટુંબ એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે.
રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના કેન્દ્રમાં દેશના દરેક નાગરિકના પરિવારનું કલ્યાણ ઉત્કર્ષ અને સર્વાંગીણ વિકાસ જ રહેલો છે.
વિશ્વ પરિવાર દિવસની ભાવનાને ચરિતાર્થ કરતાં, રાજ્યના કર્મયોગીઓ અને તેમના પરિજનોને આરોગ્ય સુરક્ષાનું કવચ પૂરું પાડવા માટે કેબિનેટ દ્વારા ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના’ને બહાલી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત, રાજ્યના અંદાજિત ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA) હેઠળ ‘G’ કેટેગરીના વિશેષ કાર્ડ દ્વારા કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ ઉપલબ્ધ થશે.
કુટુંબ એ સમાજ અને રાષ્ટ્રનો આધારસ્તંભ છે. તે માત્ર વ્યક્તિગત જીવનનું કેન્દ્ર નથી, પરંતુ તે રાષ્ટ્રીય ચારિત્ર્ય, સામાજિક સૌહાર્દ અને વૈશ્વિક શાંતિનો આધાર છે. ભારતીય શાસ્ત્રોએ જે કુટુંબ ભાવના અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના ઉદાત્ત આદર્શને વિશ્વ સમક્ષ મૂક્યો છે, તે આજના જટિલ અને પરસ્પરાવલંબી વિશ્વમાં વધુ પ્રસ્તુત બન્યો છે.
શિકાગો યુનિવર્સિટીના નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી જેમ્સ હેકમેનના સંશોધનો દર્શાવે છે કે પ્રારંભિક બાળપણમાં પારિવારિક વાતાવરણ વ્યક્તિની ભવિષ્યની શૈક્ષણિક સિદ્ધિઓ, વ્યક્તિનું આરોગ્ય અને આર્થિક ઉત્પાદકતા પર ગહન અસર કરે છે. મજબૂત પારિવારિક બંધનો સોશિયલ કેપિટલનું નિર્માણ કરે છે, જે સમુદાયમાં વિશ્વાસ, સહકાર અને નાગરિક ભાગીદારી વધારે છે.
સંશોધનો સૂચવે છે કે જે સમાજમાં કુટુંબ વ્યવસ્થા મજબૂત હોય છે, ત્યાં ગુનાખોરીનો દર ઓછો, શૈક્ષણિક સ્તર ઊંચું અને આરોગ્ય સેવાઓનો બહેતર ઉપયોગ જોવા મળે છે. બાળકોમાં નૈતિક મૂલ્યો, પ્રામાણિકતા, સહાનુભૂતિ અને જવાબદારીની ભાવનાનું સિંચન તેમને ઉત્પાદક અને કાયદાનું પાલન કરનારા નાગરિક બનાવે છે, જે રાષ્ટ્રની આર્થિક પ્રગતિ અને સામાજિક સ્થિરતા માટે અનિવાર્ય છે. સુસંગઠિત અને સુખી પરિવારો સમાજમાં સ્થિરતા અને સુમેળ જાળવવામાં મદદ કરે છે.
15 મે વિશ્વ કુટુંબ દિવસ
કુટુંબ: રાષ્ટ્રીય ઉત્કર્ષ અને વૈશ્વિક એકતાનો આધારસ્તંભ
વેક્સિન મૈત્રીથી લઈને જી-20 સમીટના આયોજનમાં વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો#worldfamilyday #g20 pic.twitter.com/gwGdcf1IDw
— AIR News Gujarat (@airnews_abad) May 14, 2025
કુટુંબ ભાષા, પરંપરાઓ, રિવાજો અને ઐતિહાસિક સ્મૃતિઓનું વાહક છે. તે રાષ્ટ્રીય ઓળખ અને સાંસ્કૃતિક સાતત્યને જાળવી રાખવામાં અને પેઢી દર પેઢી હસ્તાંતરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુટુંબ તેના સભ્યોને ભાવનાત્મક સુરક્ષા અને હૂંફ પૂરી પાડે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.
ભારતીય સંસ્કૃતિ અને દર્શન શાસ્ત્રોમાં કુટુંબને અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવી છે. તેને માત્ર સામાજિક વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચાર પુરુષાર્થોની સિદ્ધિ માટેના એક મહત્વપૂર્ણ સાધન અને ક્ષેત્ર તરીકે જોવામાં આવ્યું છે.
તૈત્તિરીય ઉપનિષદમાં ‘માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ’ જેવા ઉદ્ઘોષો પારિવારિક અને સામાજિક સંબંધોમાં આદર અને દૈવીભાવના મહત્ત્વને રેખાંકિત કરે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ધર્મશાસ્ત્રોમાં કુટુંબના સભ્યોના પરસ્પર અધિકારો, કર્તવ્યો, વારસાના નિયમો અને સ્ત્રીઓના સ્થાન વિશે વિસ્તૃત ચર્ચા છે. ભારતીય પરંપરામાં પ્રત્યેક વ્યક્તિ પર ત્રણ મુખ્ય ઋણ – દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ – માનવામાં આવ્યા છે.
મહા ઉપનિષદમાંથી ઉદ્ભવેલો ‘उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्’ (ઉદાર ચરિત્રવાળા માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે)નો મંત્ર ભારતીય વિદેશ નીતિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણનો પાયાનો સિદ્ધાંત રહ્યો છે. પ્રાચીન કાળથી ભારતે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને જ્ઞાનના પ્રસાર દ્વારા વિશ્વ સાથે સંબંધો કેળવ્યા છે. આઝાદી પછી, પંચશીલના સિદ્ધાંતો, બિન-જોડાણવાદી ચળવળ અને સંયુક્ત રાષ્ટ્રમાં વિકાસશીલ દેશોના હિતોની હિમાયત આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Meets Aamir Khan: નરેન્દ્ર મોદી ને મળ્યો આમિર ખાન, બોલિવૂડ સુપરસ્ટાર ને મળતા જ પીએમ મોદી એ પૂછ્યો આવો સવાલ
ભારતે જી-ટ્વેંટી સમિટની અધ્યક્ષતા (ડિસેમ્બર ૨૦૨૨ – નવેમ્બર ૨૦૨૩) માટે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ (One Earth, One Family, One Future) થીમ પસંદ કરી હતી. આ અધ્યક્ષતા હેઠળ, ભારતે કેટલાક નક્કર પરિણામો પણ હાંસલ કર્યા. ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ને માત્ર એક આદર્શ તરીકે નહીં, પરંતુ નક્કર વૈશ્વિક નીતિ માટેના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રજૂ કર્યું છે.
International Day of Families 2025 : વૈશ્વિક આપત્તિઓમાં ભારતે માનવતાવાદી અભિગમ
- ‘વસુધૈવ કુટુંબકમ્’ને અનુસરીને, આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં અગ્રેસર અને નિઃસ્વાર્થ ભૂમિકા ભજવી છે.
- કોવિડ-૧૯ મહામારી દરમિયાન, ભારતે જાન્યુઆરી ૨૦૨૧ થી ‘વેક્સીન મૈત્રી’ પહેલ હેઠળ લગભગ ૧૦૦ દેશોને સ્વદેશી નિર્મિત કોવિડ રસીના કરોડો ડોઝ પૂરા પાડ્યા, જેણે ભારતની ‘વિશ્વની ફાર્મસી’ તરીકેની છબીને મજબૂત કરી.
- ઓપરેશન દોસ્ત અંતર્ગત તુર્કી અને સીરિયાને ભૂકંપ પછી તાત્કાલિક NDRF ટીમો, તબીબી પુરવઠો અને મોબાઈલ હોસ્પિટલ મોકલીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
- યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ૨૨,૫૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવામાં આવ્યા.
- સુદાનમાં આંતરિક સંઘર્ષ ફાટી નીકળતાં ત્યાં ફસાયેલા લગભગ ૪૦૦૦ ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયા.
- આ અભિયાનો ભારતની વધતી જતી ક્ષમતા અને ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારતનો જી-ટ્વેંટી અધ્યક્ષતાનો કાર્યકાળ અને તેની માનવતાવાદી પહેલો આ વૈશ્વિક દ્રષ્ટિના વ્યવહારુ પ્રતિબિંબ છે. પરિવાર કલ્યાણ યોજનાઓ દ્વારા રાષ્ટ્ર તેના નાગરિકોના મૂળભૂત એકમ – કુટુંબ – ને સશક્ત બનાવીને એક આત્મનિર્ભર અને ગૌરવશાળી ભવિષ્ય તરફ અગ્રેસર છે. કુટુંબની સંભાળ અને સંવર્ધન એ માત્ર સામાજિક કર્તવ્ય નથી, પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉત્કર્ષ માટેનું અનિવાર્ય રોકાણ છે. કુટુંબની મજબૂતાઈમાં જ રાષ્ટ્રની શક્તિ અને વિશ્વની શાંતિ નિહિત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)