ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર
ભારત એમ તો કોલસાનું સૌથી વધુ ઉત્પાદન ધરાવતો દેશ છે. પરંતુ ચાઈનાની પાછળ પાછળ ભારતમાં પણ કોલસાનું ઉત્પાદન ઘટી ગયું છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીએ હાલમાં જ જાહેર કરેલા એક અહેવાલ મુજબ દેશના 135 થર્મલ પાવરમાંથી 103 પાવર પલાન્ટ સામે સંકટ ઉભુ થયું છે. આ 103 પ્લાન્ટમાં માત્ર 8 દિવસથી પણ ઓછો ચાલે એટલો જ કોલસાનો સ્ટોક બચ્યો છે. ઓગસ્ટમાં આ જ આંકડો 74 હતો.
ચાઈનામાં કોલસાની અછત નિર્માણ થવાથી મોટાભાગના શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ત્યારે વધતી જતી વીજળીની માગણી સામે કોલસાની અછતથી ભારતમાં ચાઈના જેવી પરિસ્થિતિ નિર્માણ થવાની શકયતાને પગલે દેશના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ટેન્શનમાં આવી ગયા છે.
સરકારી અધિકારીઓના કહેવા મુજબ ચોમાસા દરમિયાન કોલસાની સપ્લાયમાં ફટકો પડયો છે. તેમાં પાછુ વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. કોલસાની અછતને પગલે થર્મલ પાવર સેન્ટર બંધ થાય નહીં તે માટે ઓછો સ્ટોક ધરાવતા થર્મલ પાવર સેન્ટરને પહેલા કોલસો પૂરો પાડવાનો આદેશ કેન્દ્ર સરકાર પહેલા જ આપી ચૂકી છે.
ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સેનાને મળશે આટલા સ્વદેશી ‘એએલએસ-માર્ક 3’ હેલિકોપ્ટર
દેશના 135 થર્મલ પાવરમાંથી 88 પાવર પ્લાન્ટની વીજળી ઉત્પાદનની ક્ષમતા 109 ગીગાવોટની છે. કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો પાછા ખેંચાયા બાદ વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. 7 જુલાઈના 200.57 ગીગાવોટ જેટલી ડિમાન્ડ પહોંચી ગઈ હતી. હાલ તે 190 ગીગાવોટ જેટલી છે.